રેસકોર્સની મ્યુચ્યલ ફંડની ઓફિસ તેમજ ગેંડા સર્કલની ફૂડ ડિલિવરીની ઓફિસમાં આગ લાગતાં નાસભાગ
વડોદરાઃ શહેરમાં આજે જુદાજુદા બે વિસ્તારમાં આગ લાગવાના બનાવ બનતાં દોડધામ મચી હતી.ઉપરોક્ત બનાવમાં સ્ટાફ બહાર દોડી જતાં કોઇ જાનહાનિ થઇ નથી.
રેસકોર્સથી નટુભાઇ સર્કલ તરફ જતાં આવેલા લેન્ડમાર્ક બિલ્ડિંગના પહેલા માળે મ્યુચ્યુઅલ ફંડની ઓફિસમાં આજે બપોરે શોર્ટસર્કિટને કારણે આગ લાગતાં હાજર કર્મચારીઓ બહાર દોડી ગયા હતા.
થોડી વારમાં આખી ઓફિસમાં ધુમાડા છવાઇ ગયા હતા અને આગની જ્વાળાઓમાં કોમ્પ્યુટર,એસી,ફર્નિચર સહિતની ચીજો ખાક થઇ ગયા હતા.વડીવાડી ફાયર બ્રિગેડની ટીમે ઓફિસના કાચના દરવાજા તોડીને આગ કાબૂમાં લીધી હતી.
બીજાં બનાવ ગેંડાસર્કલ પાસે સારાભાઇ કેમ્પસમાં ઇશાન ટાવરમાં ચોથેમાળે આવેલી ઝોમેટોની ઓફિસમાં બન્યો હતો.જેમાં સ્ટોર રૃમમાં આગ લાગતાં નુકસાન થયું હતું.આ બનાવમાં પણ કોઇ જાનહાનિ થઇ નહતી. ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે લગભગ આગ કાબૂમાં આવી ગઇ હતી.ફાયર બ્રિગેડે બિલ્ડિંગની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરી આગ સંપૂર્ણ રીતે કાબૂમાં લીધી હતી.