કરજણમાં માથાભારે તત્વોના આતંક : બે માથાભારે શખ્સોએ કંપનીના શ્રમિકોને માર માર્યો
Vadodara Crime : વડોદરા જિલ્લાના કરજણમાં માથાભારે તત્વોના આતંકની ઘટના સામે આવી છે. બે માથાભારેએ કંપનીના શ્રમિકોને માર માર્યો હતો. તે બાદ તેમણે હાથમાં કારબા લઇ જઇને કંપનીમાં વાહનો અને મટીરીયલમાં આગ લગાવી દીધી હોવાનું સીસીટીવી પરથી જાણવા મળ્યું હતું. આખરે આ મામલે કરજણ પોલીસ મથકમાં બે સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ કરજણ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી તેજ કરી દીધી છે.
કરજણ પોલીસ મથકમાં ચિરાગ પટેલએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ વર્ષ 2020થી જ્યુપીટર ઇન્ડસ્ટ્રીઝ (મેન્યુફેક્ચરીંગ યુનિટ) ધરાવે છે. તેમની કંપની એગ્રીકલ્ચર વેસ્ટમાંથી બાયોકોલ બનાવે છે. 5, ફેબ્રુઆરીના રોજ કામ અર્થે તેઓ દહેજ ગયા હતા. દરમિયાન 6, ફેબ્રુઆરીએ રાત્રે દોઢ વાગ્યે તેમને દીવી ગામના ખેડુતનો ફોન આવ્યો હતો. અને જણાવ્યું કે, તમારી કંપનીમાં વાહનોમાં આગ લાગી છે. જેથી તેઓ દોડી આવ્યા હતા. સાથે જ તેમના પાર્ટનરોને જાણ કરવામાં આવતા તેઓ પણ તાત્કાલિક પહોંચ્યા હતા.
સ્થળ પર જઇને જોતા કંપનીમાં વાહનોમાં અને વેસ્ટ મટીરીયલમાં આગ લાગી હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયરના લાશ્કરો દોડી આવ્યા હતા. તેમણે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન કંપનીના શ્રમિકે જણાવ્યું કે, આપણી કંપનીમાં કામ કરતા ઉજાગરસિંગ અને શ્રમિક બાબુલ અંસારીને નબીહસન મુન્ના અંસારીએ ધક્કો મારીને નીચે પાડી દીધા હતા. અને તેની મદદગારીમાં અરમાન શેરમહંમદ અંસારીએ ગાળાગાળી કરી હતી.
બાદમાં ફરિયાદીએ કંપનીના સીસીટીવી જોતા હસન અંસારી અને અરમાન અંસારી પોતાના હાથમાં કારબા લઇને જતા દેખાયા હતા. આગ તેમણે લગાવી હોવાનું જાણવા મળ્યું હતું. આખરે નબીહસન મુન્ના અંસારી અને અરમાન શેરમહંમદ અંસારી (બંને રહે. બરૈલી) સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે બંને સામે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.