ગ્રાહકના સ્વાંગમાં સોનીની દુકાને જઇ બે વીંટીઓ તફડાવી લીધી
બે અસલ વીંટીઓ કાઢી લઇ તેની જગ્યાએ બે નકલી વીંટીઓ મૂકી દીધી
વડોદરા,કાળા કલરનો ડ્રેસ અને મોંઢે ઓઢણી બાંધીને ગ્રાહકના સ્વાંગમાં સોનીની દુકાને ખરીદી કરવા ગયેલી મહિલાએ સોનાની બે અસલ વીંટીઓ લઇને તેની જગ્યાએ બે નકલી વીંટીઓ મૂકી દીધી હતી.
પાદરાના ધાયજ રોડ પર મહાકાળી સોસાયટીમાં રહેતા ગૌરાંગકુમાર ચંદ્રકાંતભાઇ પટેલ વડસર રોડ પર નિસર્ગ એવન્યુમાં આરના જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે.માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨ જી જાન્યુઆરીએ હું દુકાને એકલો હતો. બપોરે સાડા બાર વાગ્યે કાળા કલરનો ડ્રેસ પહેરીને એક મહિલા ગ્રાહકના સ્વાંગમાં દુકાને આવી હતી. તેણે વીંટીઓ બતાવવાનું કહેતા અમે ટ્રે માં ચાર વીંટીઓ કાઢી તેને બતાવી હતી. તેમાંથી મહિલાએ એક વીંટી પસંદ કરી હતી. તે વીંટીના ૧૪,૫૦૦ રૃપિયા રોકડા આપીને વીંટી લઇને તે જતી રહી હતી. ત્યારબાદ હું કુંભના મેળામાં ગયો હતો. મેળામાંથી પરત આવ્યા પછી મેં સ્ટોકની ગણતરી કરતા બે વીંટીઓ અલગ ડિઝાઇનની દેખાઇ હતી. મને શક જતા વીંટીઓ ચેક કરતા તે નકલી હોવાનું જણાયું હતું. મને શંકા જતા ૨ જી જાન્યુઆરીના સીસીટીવી ફૂટેજ ચેક કરતા કાળા કલરનો ડ્રેસ પહેરીને આવેલી મહિલાએ ટ્રે માંથી વીંટીઓની અદલા બદલી કરી નાંખી હોવાનું દેખાયું હતું. ૧૧ ગ્રામ વજનની સોનાની બે વીંટીઓ કિંમત રૃપિયા ૮૦ હજારની ચોરી કરી જનાર મહિલાની માંજલપુર પોલીસે શોધખોળ હાથ ધરી છે.