સોશિયલ મીડિયા પર પજવણી, બે યુવતીના મોર્ફ ફોટા અને મોબાઈલ નંબર મૂકી Call me..ના મેસેજ મુક્યા
image : Freepik
Vadodara Cyber Crime : સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મહિલાઓની જાતીય સતામણીના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વડોદરા સાયબર સેલમાં એક જ પ્રકારની સતામણીનો ભોગ બનેલી બે યુવતીઓએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાઇવેટ જોબ કરતી 26 વર્ષીય યુવતીએ પોલીસને કહ્યું છે કે મારી મિત્ર તેમજ મારા ભાઈ બહેનના મારા ઉપર મેસેજ આવ્યા હતા અને ઇન્સ્ટા ઉપર બીભત્સ ફોટા મુકાયા હોવાની જાણ કરી હતી. જેથી મેં તેમની પાસે સ્ક્રીનશોટ મંગાવતા કોઈ વ્યક્તિએ મારા મોર્ફ કરેલા ફોટા મૂકી ફેક આઈડી બનાવ્યું હોવાની વિગતો જાણવા મળી હતી.
યુવતીએ કહ્યું છે કે, મને પરેશાન કરી બદનામ કરવા માટે મુકાયેલા ફોટામાં આઈ એમ બિગેસ્ટ કોલ ગર્લ...નું લખાણ લખવામાં આવેલ છે. આ આઈડીનો ઉપયોગ તા 6-9-24 થી કરવામાં આવ્યો છે. મારા નામના ફેક એકાઉન્ટમાંથી મારા પરિવારજનો તેમજ અન્ય લોકોને પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી છે.
આવી જ રીતે થોડા સમય પહેલા લગ્ન કરનાર એક યુવતીને પણ વરવો અનુભવ થયો છે. આ યુવતીના ફોટાની નીચે મોબાઈલ નંબર અને કોલ મી... સાથે અશ્લીલ અને ઉત્તેજક લખાણ લખવામાં આવ્યા હોવાથી લોકોના ફોન આવતા મહિલા પરેશાન થઈ ગઈ હતી. નોંધપાત્ર બાબત એ.. છે કે, તા.15 મી જુલાઈએ આ એકાઉન્ટ શરૂ હતા મહિલાએ પોલીસ ફરિયાદ કરવા બીજા બે એકાઉન્ટ બનાવીને તેને હેરાન કરવામાં આવી હતી. સાયબર સેલે બંને ફરિયાદોને આધારે ગુના નોંધી તપાસ હાથ ધરી છે.