ચાંદીપુરા વાયરસની દહેશત વચ્ચે સુરતમાં તાવ અને ઉલટી થયા બાદ બે બાળકીના મોત
- રાંદેરમાં પાંચ અને સિંગણપુરમાં ત્રણ વર્ષની બાળકીના મોત
સુરત :
દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની મોસમમાં વરસાદના પગલે સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેવા સમયે રાંદેર ખાતે તાવ અને ઉલટી થયા બાદ પાંચ વર્ષની બાળકી અને સિંગણપુર ખાતે તાવ તથા ઉલટી સહિતની તકલીફ થયા બાદ ત્રણ વર્ષની બાળકીનું મોત થયું હતુ.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મૂળ દાહોદના વતની અને હાલ રાંદેર વિસ્તારના એસ.એમ.સી આવાસમાં રહેતા વિજય માવીની પાંચ વર્ષની પુત્રી સોનાક્ષીને અઠવાડિયાથી તાવ આવતો હતો. ગત રાતે તેને ઉલટી થઇ હતી. બાદમાં આજે સવારે તેની તબિયત વધુ બગડતા બેભાન થઇ જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લાવ્યા હતા. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. બાળકીના પિતા રીક્ષા ચલાવે છે.
બીજા બનાવમાં મૂળ ઓરીસ્સાના વતની અને હાલ સિંગણપોર ગંગોત્રીનગરમાં રહેતા રાનકા સ્વાઇની ત્રણ વર્ષની પુત્રી સાલીનીને આજે સવારે તાવ આવ્યા બાદ ઉલટી સહિતની તકલીફ થઇ હતી. જેથી તે ઢળી પડતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. બાળકીના પિતા લુમ્સ ખાતામાં કામ કરે છે.
સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે તેવા સમયે આજે વધુ બે બાળકીના મોત થયા હતા.