વડોદરામાં બે મહાકાય મગર મૃત હાલતમાં મળ્યા, બે મહિનામાં છ મગરોના મોત, રહસ્ય અકબંધ
Crocodile Death in Vadodara : વડોદરા શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારા પાસેથી બે મહાકાય મગરોના મૃતદેહ મળી આવ્યા છે. આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ છે કે શહેરમાં છેલ્લા બે મહિનામાં છ મગરોના મોત થયા છે. અચાનક આ રીતે મગરના થઈ રહેલા મોતના કારણે અનેક શંકા કુશંકા થઈ રહી છે. નિષ્ણાતોએ મગરના મોતના કારણ અંગે ચોંકાવનારુ તારણ કાઢ્યું છે.
એક દિવસમાં બે મગરના મળ્યા મૃતદેહ
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરો પર કોઈ પ્રકારનુ જોખમ ઉભું થયું છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે. દરમિયાન મગર રેસ્કયૂ કરતા જીવદયા પ્રેમી સંગઠન વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના અરવિંદ પવારે કહ્યું હતું કે, અમને મળેલા કોલના આધારે આજે સવારે તપાસ કરી ત્યારે શહેરના કીર્તિ મંદિર પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારા પર લગભગ આઠ ફૂટના મગરનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે આ મગરને કાઢવાની કામગીરી ચાલી રહી ત્યારે જ આ જ વિસ્તારમાં આરાધના ટોકિઝથી ખાસવાડી સ્મશાનની વચ્ચે પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે પણ એક મગર પડેલો હોવાનો કોલ મળ્યો હતો. ત્યાં જઈને જોતા લગભગ 10 ફૂટનો મહાકાય મગર મૃત હાલતમાં પડેલો જોવા મળ્યો હતો.
મગરોના મોતનું રહસ્ય અકબંધ
અરવિંદ પવારનો દાવો છે કે, 'બે મહિનામાં 6 મગરોના મોત થયા છે. તેની પાછળનું ચોક્કસ કારણ તો જાણવા નથી મળ્યું પણ શક્ય છે કે, ચોમાસામાં આવેલા પૂરના કારણે મગરો માટેના બાસ્કિંગ પોઈન્ટ ધોવાઈ ગયા હોય. બાસ્કિંગ પોઈન્ટ એટલે એવી જગ્યા જ્યાં મગરો તાપમાં કલાકો સુધી પડયા રહેતા હોય છે. આખી રાત પાણીમાં રહેતા મગરોને શરીરના તાપમાનને જાળવી રાખવા માટે સવારનો તડકો ખાવાની જગ્યા મળી રહી નથી અને શરીર વધારે પડતું ઠંડું પડવાથી તેમજ તડકાના અભાવે મગરોના મોત થયા છે કે કેમ તે એક તપાસનો વિષય છે. તેમણે કહ્યું હતું કે, મગરોના પોસ્ટ મોર્ટમ બાદ જંગલ વિભાગે અને તંત્રએ તેના મોત પાછળનું કારણ જણાવવું જોઈએ'.
વિશ્વામિત્રીમાં થનારી કામગીરીથી મગરોની મુશ્કેલીઓ વધશે
જીવદયા પ્રેમી અરવિંદ પવારનું કહેવું છે કે, પૂરની સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે વિશ્વામિત્રીને પહોળી અને ઉંડી કરવાની કામગીરી શરૂ થઈ છે અને આ માટે વિશ્વામિત્રી નદીમાં સેંકડો જેસીબી મશિનો ઉતારવામાં આવી રહ્યા છે. આ કામગીરીથી નદીમાં રહેતા મગરો માટે જગ્યાની વધારે અછત સર્જાશે. ખોદકામથી તેમના રહેણાક વિસ્તારો અને ઈકો સિસ્ટમ પર અવળી અસર પડશે. આમ નજીકના ભવિષ્યમાં મગરો પરની મુશ્કેલી વધી શકે છે.
એક મૃતદેહની આસપાસ સંખ્યાબંધ જીવતા મગરો ફરી રહ્યા રહ્યા
રેસ્ક્યૂ ટીમને કીર્તિ મંદિરની પાછળ વિશ્વામિત્રી નદી પાસે મગર પડેલો હોવાનો કોલ તો બુધવારે સાંજે મળ્યો હતો પરંતુ તે વખતે આ મગરના મૃતદેહની આસપાસ બીજા જીવતા મગરો ફરી રહ્યા હતા અને તેના કારણે મગરના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી બુધવારે રાતની જગ્યાએ આજે સવારે કરવામાં આવી હતી.