ગિલોલથી કારનો કાચ તોડી ચોરી કરતી તમિલનાડુની બે ટોળકી પકડાઇ
અલગ - અલગ રાજ્યમાં ૨૫ ગુનાઓ કર્યા હોવાની કબૂલાત : ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે
વડોદરા,દેશભરમાં ફરી કારના કાચ તોડી ચોરી કરતી દક્ષિણ ભારતની બે ટોળકીના ૧૨ આરોપીઓને ડીસીબી પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે ટોળકી પાસેથી ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પૂછપરછ દરમિયાન આ ટોળકીએ અલગ - અલગ રાજ્યોમાં ૨૫ ગુના કર્યા હોવાની કબૂલાત કરી છે.
ડીસીબી પોલીસને માહિતી મળી હતી કે,મૂળ દક્ષિણ ભારતમાં રહેતા ૧૨ લોકો નેશનલ હાઇવે રોડના આજવા ચોકડી બ્રિજ નીચે હાલમાં રોકાયા છે.આ ટોળકી કારમાંથી કિંમતી સામાનની ચોરી કરવા માટે આવી છે.તેઓ પાસે લેપટોપ તથા અન્ય ઉપકરણો છે. જે તેઓ વેચવા માટે ગ્રાહકની શોધમાં છે. જેથી,પી.આઇ. આર.જી. જાડેજાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા મૂળ તમિલનાડુના રહેવાસી એવા ૧૨ લોકો મળી આવ્યા હતા. પોલીસને જોઇને તેઓએ ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ, પોલીસે પીછો કરીને તેઓને ઝડપી લીધા હતા. પોલીસે તેઓની પૂછપરછ કરતા તેઓ તામિલ ભાષામાં બોલતા હોઇ મુશ્કેલી સર્જાઇ હતી. પરંતુ, ડીસીબીમાં નોકરી કરતા હે.કો. નરેશકુમાર દક્ષિણ ભારતના રહેવાસી હોઇ તેઓ શકમંદોની ભાષા સમજી શકતા હતા.
૧૨ આરોપીઓ બે ગેંગના સાગરીતો હતો. દરેક ગેંગમાં છ આરોપીઓ હતા. પોલીસે બંને ટોળકીના સાગરીતો પાસેથી મળેલા થેલામાંથી લેપટોપ, ટેબલેટ, સોના - ચાંદીના દાગીનાતેમજ રોકડ રકમ મળી આવી હતી. આ સામાન બાબતે પૂછતા આરોપીઓએ જણાવ્યું હતું કે, આરોપીઓ બે ટોળકી બનાવી દેશભરમાં જુદા - જુદા શહેરોમાં ગુનાઓ આચરે છે. ગિલોલની મદદથી કારનો કાચ તોડી તેમાંથી કિંમતી સામાનની ચોરી કરે છે.
કારમાં કોઇ બેઠું હોય તો ટોળકીનો એક સાગરીત રોડ પર ચલણી નોટો મૂકી દઇ કારમાં બેઠેલી વ્યક્તિને તમારા પૈસા નીચે પડી ગયા છે. તેમજ કારમાંથી ઓઇલ ટપકે છે. તેવું કહે છે. કારમાં બેઠેલા વ્યક્તિ નીચે ઉતરે ત્યારે તેઓની નજર ચૂકવીને કારમાંથી બેગ ચોરી કરે છે. તેઓ પાસેથી મળેલા સામાન અંગે પૂછતા ટોળકીએ અલગ - અલગ ૨૫ સ્થળેથી ચોરી કરી હતી. પોલીસે ટોળકી પાસેથી ૧૦.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
અંબાણી પરિવારના પ્રિ વેડિંંગ પ્રસંગે પણ ટોળકી ચોરી કરવા ગઇ હતી
વડોદરા,પોલીસની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે, આ ટોળકી માર્ચ - ૨૦૨૪ માં જામનગર ખાતે અંબાણી પરિવાર દ્વારા પ્રિ વેડિંગ કાર્યક્રમમાં પણ આ ટોળકી ચોરી કરવા ગઇ હતી. પરંતુ, સિક્યુરિટી ચુસ્ત હોવાથી તેઓ ચોરી કરી શક્યા નહતા. ત્યારબાદ ટોળકીએ રાજકોટ, જામનગર, અમદાવાદ તેમજ દિલ્હીમાં ચોરીઓ કરી હતી. પાંચ ગુનામાં જામીન પર છૂટયા પછી જગને પોતાની ટોળકી બનાવી ચોરીઓ કરી હતી.
તમિલનાડુની ગેંગવાળી મેટરમાં બોક્સ...
ચોર ટોળકીનો એક સાગરીત બી.ઇ. મિકેનિકલ છે
વડોદરા,આંતર રાજ્ય ચોર ટોળકીના કેટલાક સાગરીતોની સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયા છે. ગોવર્ધન સામે કર્ણાટક રાજ્યના મૈસુરના નરસિમ્હારાવ પોલીસ સ્ટેશનમાં, સેંદીલ સામે બેંગ્લોર, તમિલનાડુ અને ઓરિસ્સા, મોહન સામે રાજસ્થાન, ઉદયરકુમાર સામે બેંગલોર, વિગ્નેશ્વર સામે તમિલનાડુ, અને નાગપુર તેમજ ઐયપન્ન સામે તમિલનાડુમાં ગુનાઓ નોંધાયા છે. પકડાયેલા ૧૨ આરોપીઓ પૈકી આરોપી કિરણકુમારે બી.ઇ. મિકેનિકલનો અભ્યાસ કર્યો છે.