કૂતરું આવતા રેલિંગ સાથે અથડાઈ કાર પલટી જતા બે મિત્રોના મોત
- તારાપુર- વટામણ હાઈવે પર વરસડા સીમ પાસે
- કારનો કચ્ચરઘાણ, વડોદરાથી પાંચ મિત્રો સારંગપુર જઈ રહ્યા હતા : ત્રણ ઈજાગ્રસ્ત સારવાર હેઠળ
તારાપુર : તારાપુર વટામણ હાઇવે પર વરસડા સીમ વિસ્તારમાં રસ્તા પર અચાનક કૂતરું આડું ઉતરતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રેલિંગ સાથે અથડાઈ પલટી ગઈ હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. વડોદરાથી સારંગપુર જઈ રહેલા પાંચ મિત્રોને ગંભીર અકસ્માત નડતા બે મિત્રોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ ઇજાગસ્તો કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.
વડોદરા શહેરની પ્રકાશ ઝૂપડપટ્ટી, નાગરવાડા, સાઈનાથ મંદિર પાસે રહેતા આકાશ વસંતભાઈ રાણા કારેલીબાગ રાત્રી બજારમાં ચાનો ધંધો કરે છે. ગત રાત્રે ૧૦.૩૦ વાગ્યે પોતારી કાર લઈ આકાશ રાણા તેમના મિત્ર અનિલભાઈ મોહનભાઈ પંડયા (રહે. નવી ધરતી કાઠીયાવાડી ચાલ, નાગરવાડો), અક્ષય રાજપુત (રહે. નાગરવાડો), પ્રણવ કાનજીભાઈ પંડયા (રહે. નાગરવાડો) તથા જીગ્નેશ સુરેશભાઈ વસાવા (રહે. અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે, વડોદરા) એમ પાંચ મિત્રો સારંગપુર જવા માટે નીકળ્યા હતા. રાત્રે દસેક વાગ્યાના અરસામાં કાર તારાપુર વટામણ હાઇવે પરથી પસાર થઈ રહી હતી. ત્યારે વરસડા સીમમાં જય અંબે હોટલ યુપી ઢાબા પાસે અચાનક કૂતરું આડું આવતા આકાશભાઈ રાણાએ કાર રોડની ડાબી બાજુ લઈ જતા સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા લોખંડની રેલિંગ સાથે અથડાઇ પલટી ગઈ હતી.
અકસ્માતની જાણ થતાં ૧૦૮ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પ્રણવ કાંતિભાઈ પંડયા અને જીગ્નેશ સુરેશભાઈ વસાવાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અનિલ મોહનભાઈ પંડયા તથા અક્ષય રાજપુતને ગંભીર ઇજા થતા કરમસદ મેડિકલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આકાશ વસંતભાઈ રાણાને શરીરે વધતા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી. આ અંગે આકાશ વસંતભાઈ રાણાની ફરિયાદના આધારે તારાપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.