વડોદરાના બે ભેજાબાજો દિલ્હીના બિલ્ડર સાથે રૂ. ૪૦ લાખની ઠગાઈ કરી ફરાર
વડોદરા,તા. 28
દિલ્હીના બિલ્ડરને સાઈટ ડેવલોપ માટે 10 કરોડના ફંડની લાલચ આપી કમિશન પેટે 40 લાખ પડાવી લઇ છેતરપિંડી આચરવામાં અંગેનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. ફરિયાદના આધારે પોલીસે ત્રણ શખસો વિરુધ્ધ છેતરપીંડીની સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ન્યુ દિલ્હી ખાતે રહેતા હેમંત ખંડેલવાલ દિલ્હી અને હરિદ્વાર ખાતે ક્રિષ્ના ઇનફાકોન કંપની ધરાવી રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તાજેતરમાં હરિદ્વાર ખાતે નવી સાઇટ ડેવલપ કરવાની હોય 10 કરોડની જરૂરિયાત ઉદભવી હતી. જે ફંડ મેળવવા અલગ-અલગ સંસ્થાનો સંપર્ક કર્યો હતો. જેમાં સ્વચ્છ ભારત અભિયાનના કન્વીનર પ્રેમ લતા થકી વિશાલ પટેલ અને સિરાજ ગાંધી નામના વ્યક્તિનો સંપર્ક થયો હતો. ત્યારબાદ રાજેશ રાવ નામના વ્યક્તિએ ફંડ અપાવવા પેટે 04 ટકા કમિશન એડવાન્સ આપવાની વાત કરી હતી. વધુમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, ચેન્નઈથી ફન્ડિંગ ન કરાવવું હોય તો વડોદરા થી ફંડિંગ કરાવી દઈશ. ત્યારબાદ કમિશન ચેકથી આપવાનું નક્કી થયું હતું. વડોદરાના અક્ષર ચોક ખાતે આવેલી સિગ્નેટ હબ ઓફિસમાં મીટીંગ યોજી 10 કરોડની રકમ ૮ ટકાના વાર્ષિક વ્યાજ થી ત્રણ વર્ષમાં રકમ પરત આપવાની શરતે ડીલ નક્કી થઈ હતી. અને ચેકથી તમને ફંડ નું પેમેન્ટ મળી જશે. તેમ જણાવતા કમિશનના રોકડા 40 લાખ વિશાલ ને ચૂકવ્યા હતા. ત્યારબાદ સિરાજ ગાંધીએ જણાવ્યું હતું કે એક પ્રોબ્લેમ થયો છે. તેમ જણાવી કાર સાથે ફરાર થઈ ગયો હતો. પરત ઓફિસે પહોંચતા તાળું નજરે ચડયું હતું. આમ પોતે છેતરપીંડીનો શિકાર બન્યા હોવાની વિગતો બહાર આવી હતી.