ડમ્પરની ટકકરથી વાઘોડિયા રોડ પર મધરાતે બે વીજ થાંભલા ધરાશાયી
વડોદરા ઃ વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર ડમ્પરની ટકકરથી બે વીજ થાંભલા ધરાશાયી થતા સેંકડો ઘરોનો વીજ પુરવઠો બાર કલાક કરતા વધારે સમય સુધી ખોરવાયો હતો.
મળતી વિગતો પ્રમાણે વાઘોડિયા રોડ પર આવેલા ફાયર બ્રિગેડના ફાયર સ્ટેશનમાં નવા આવાસોના નિર્માણની કામગીરી ચાલી રહી છે.આ માટેનું મટિરિયલ લઈ જતા ડમ્પરો નજીકની સોસાયટીઓના રસ્તા પરથી અવર જવર કરે છે.
મંગળવારની મધરાતે આવા જ એક ડમ્પરે જય રણછોડ સોસાયટી પાસે આવેલા વીજ થાંભલાને ટકકર મારી હતી અને બે થાંભલા પડી ગયા હતા.જેના કારણે આ સોસાયટી અને આસપાસની બીજી સોસાયટીના સેંકડો ઘરોમાં લાઈટો ગુલ થઈ હતી.થાંભલાની સાથે જીવતા વીજ વાયરો પણ જમીન પર પડયા હતા.
જોકે મધરાતનો સમય હોવાથી કોઈ અનિચ્છનિય ઘટના બની નહોતી પરંતુ લોકો વીજ પુરવઠા વગર બાર કલાક કરતા વધારે સમય સુધી હેરાન થયા હતા.ઘટનાની જાણ થયા બાદ આજે સવારથી મધ્ય ગુજરાત વીજ કંપનીની ટીમોએ થાંભલા ઉભા કરવાની કામગીરી શરુ કરી હતી.જે બપોર સુધી ચાલી હતી.દરમિયાન વીજ કંપનીના સૂત્રોએ કહ્યું હતું કે, ડમ્પર ચાલક પાસેથી વીજ થાંભલા ઉભા કરવાનો ખર્ચ વસુલ કરવામાં આવશે.આ માટે તેની લેખિત બાયેધરી લેવામાં આવી છે.
એક સ્થાનિક રહેવાસીએ કહ્યું હતું કે, બાંધકામ ચાલુ થયું છે ત્યારથી ડમ્પરોના ચાલકો સોસાયટીઓના નાના રોડ પરથી બેફામ ડમ્પર હંકારીને પસાર થાય છે.ડમ્પરના વજનથી ઠેક ઠેકાણે રોડ પણ તુટવા માડયા છે.