જેતપુરમાં બે વયોવૃધ્ધ મિત્રોનો સજોડે આપઘાતઃ કારણ અકબંધ
બન્ને મિત્રો ખુરશીમાં મૃત હાલતમાં મળી આવ્યા : પાંચ પીપળા રોડ પર આવેલ રહેણાકમાં બન્ને મિત્રોએ કોલ્ડ્રીંક્સમાં ઝેરી દવા ભેળવીને ગટગટાવી મોતને વ્હાલું કરી લેતા ચકચાર
જેતપુર, : જેતપુરમાં બે વયોવૃધ્ધ મિત્રોનો સજોડે આપઘાત કરી લેતા ચકચાર વ્યાપી છે. શહેરના પાંચ પીપળા રોડ પર આવેલ રહેણાંક મકાનમાં બે વયોવૃદ્ધ મિત્રો ભેગા મળી કોલ્ડ્રીંક્સમાં ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યુ હતું.બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ શહેરના પાંચ પીપળા રોડ પર રેસીડેન્ટ મકાનમાંથી બે મિત્રોએ સજોડે આપઘાત કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યોછે. જેમાં પાંચ પીપળા રોડ પર રહેતા વસંતરાય તોલારામ ખુવા( ઉ.વ.64 )તેમજ અમૃત કરશનભાઈ મુરાણી (ઉ.વ. 70) બંને વયો વૃધ્ધ મિત્રોએ અગમ્ય કારણોસર ભેગા મળી કોલ્ડ્રીંક્સ માં ઝેરી પદાર્થ અથવા તો દવા ભેળવી મોતને વહાલું કર્યું હતું. જે જગ્યા પર બંને મિત્રોએ એક સાથે આપઘાત કર્યો હતો ઘટના સ્થળે બન્ને મિત્રો ખુરશીમાં જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમજ એક મૃતકના હાથમાં માળા હતી. તેમજ ઘટના સ્થળ પર ઓમ ત્રંબકમ યજામહેના મંત્રના જાપ ચાલુ હતા. પોલીસે બંને મિત્રોની લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આપઘાતનું કારણ જાણવા પોલીસે ગતિવિધિ તેજ કરી છે.