ટ્રેનના AC કોચમાં ચિક્કાર દારૃ પીધેલા બે એટેન્ડન્ટ ઝડપાયા
ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનના ટીસીએ જ બંનેને પોલીસને સોંપી દીધા
વડોદરા, તા.7 ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં દારૃ પીને ધમાલ કરતા કોન્ટ્રાક્ટના બે એેટેન્ડન્ટોને ઝડપી પાડી રેલવે પોલીસને સોંપી દેવામાં આવ્યા હતાં.
આ અંગેની વિગત એવી છે કે ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં રેલવેના કોન્ટ્રાક્ટના બે એટેન્ડન્ટો દારૃ પીને ધમાલ કરે છે તેવી ફરિયાદ ટીસીએ રેલવે પોલીસને કરી હતી. મોડી રાત્રે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૩ પર આવતાં રેલવે પોલીસનો સ્ટાફ ટ્રેન પાસે ગોઠવાઇ ગયો હતો.
દરમિયાન ટીસીએ ચિક્કાર દારૃ પીધેલા બે એટેન્ડન્ટો યોગેનસિંહ રણવીરસિંહ પરીહાર (રહે.રામમલાયા, પોસ્ટ પઢેરી, તા.સીરમોર, જિલ્લો રેવા, મધ્યપ્રદેશ) અને રેસુસિંગ હરીવરણસિંહ પરીહાર (રહે.દુલ્હારા, તા.સીરમોર, જિલ્લો રેવા, મધ્યપ્રદેશ)ને પોલીસને સોંપી દીધા હતાં. રેલવે પોલીસે બંને કર્મચારી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.