મોરબીના અણિયાળી ટોલનાકા નજીક બોલેરો પીક-અપ વાન પલટી, 2 મોત,12થી વધુને ઈજા
Accident Morbi: ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આજે (17મી એપ્રિલ) મોરબીના માળિયામાં અણિયાળીટોલનાકા નજીક બોલેરો પીક અપ વાન પલટી જતા દંપતિનું મોત નીપજ્યું છે, જ્યારે 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, માળિયાના અણિયાળી ટોલનાકા નજીક બોલેરો પીકઅપ પલટી જવાની ઘટના સામે આવી છે. બોલેરોમાં 15 કરતા વધુ મુસાફરો બેઠા હતા અને આ દરમિયાન ડ્રાઈવરે અચાનક સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બોલેરો પીકઅપ પલટી મારી ગઈ હતી. જેમાં દંપતિના મોત થયા છે અને 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.