ગમખ્વાર અકસ્માત: ગોધરા-દાહોદ હાઈવે પર કાર-બાઈક વચ્ચે ટક્કર, દીકરીને મળવા જતા માતા-પુત્રના મોત
Accident in Panchmahal: પંચમહાલમાં ગોધરા-દાહોદ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર પસનાલ ગામના વણઝારા સમાજના માતા-પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું. પીપલોદ ખાતે દીકરીના ખબર અંતર પૂછવા જઈ રહેલા માતા-પુત્રનું એકસાથે મોત થતાં પરિવાર સહિત વણઝારા સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, પસનાલ ગામના વણઝારા સમાજના માતા-પુત્ર બાઈક પર પીપલોદ જઈ રહ્યા હતા. આ દરમિયાન ગોધરા-દાહોદ હાઈવે પર કાર ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં માતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે પીપલોદ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાતા સારવાર દરમિયાન બંનેનું મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે બાઈકને અડફેટે લેનાર કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.