Get The App

લક્ઝરી બસ આગળ જતા ટ્રેલરમાં ઘુસી જતા બે ના મોત, ૭ ને ઇજા

સુરતના કામરેજથી લક્ઝરી બસ રાતે સાડા બાર વાગ્યે ઉપડી હતી : બસ ડ્રાઇવરની ધરપકડ

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
લક્ઝરી બસ આગળ જતા ટ્રેલરમાં ઘુસી જતા બે ના મોત, ૭ ને ઇજા 1 - image

 વડોદરા,મોડીરાતે હાઇવે પર દરજીપુરા એરફોર્સ બ્રિજ નજીક  આગળ જતા ટ્રેલરમાં પાછળથી લક્ઝરી બસ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મુસાફરોના કરૃણ મોત થયા હતા. જ્યારે અન્ય ૭ ને ઓછીવત્તી ઇજાઓ થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હરણી  પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રવિવારે રાતે સાડા બાર વાગ્યે સુરતના કામરેજથી પવન ટ્રાવેલ્સની લક્ઝરી બસ અમદાવાદ જવા માટે ઉપડી હતી. રાતે સાડા ત્રણ વાગ્યે લક્ઝરી બસ વડોદરા નજીક હાઇવે  પરથી પસાર થતી હતી. દરજીપુરા એરફોર્સ બ્રિજ નજીક આગળ જતા ટ્રેલરમાં લક્ઝરી બસ  પાછળથી ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. મોડીરાતે ધડાકાભેર અકસ્માત થતા મુસાફરો ઊંઘમાંથી જાગી ગયા હતા. કોઇ રાહદરીએ કોલ કરતા એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઇ હતી. જોકે, સારવાર મળે તે પહેલા જ  ચંદુ સવજીભાઇ કુંભાણી,ઉં.વ.૫૮ (રહે. સાઉથ બોપલ, અમદાવાદ) તથા પાર્થ કિશોરભાઇ બરવાળીયા (રહે. અમરેલી) ના કરૃણ મોત થયા હતા.  જ્યારે અન્ય ૭ મુસાફરોને ઓછીવત્તી ઇજાઓ થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે ઇજાગ્રસ્ત મુસાફરની ફરિયાદના આધારે હરણી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતથી અમદાવાદ જતી લક્ઝરી બસમાં ૩૫ મુસાફરો હતા.  પોલીસે લક્ઝરી બસના ડ્રાઇવરની ધરપકડ કરી છે. ચંદુભાઇ નિવૃત્ત છે.જ્યારે  પાર્થ સુરતમાં ઓનલાઇને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરતો હતો.


.

ઇજાગ્રસ્ત મુસાફરોના નામ

(૧)   કમલચંદ્ર ચંદનબહાદુર  વિશ્વકર્મા , ઉં.વ.૪૪ (રહે. ગાયત્રી નગર, ન્યૂ રાણીપ, અમદાવાદ) જમણા  પગે અને દાઢી પર 

(૨) જીજ્ઞોશ મહેન્દ્રભાઇ પટેલ, ઉં.વ.૪૨ (રહે. વસ્ત્રાલ ગામ રામોલ ટોલ  પ્લાઝા) ડાબા  પગે

(૩) પ્રિયંકા ચંદુભાઇ ખાંટ, ઉં.વ.૨૫ (રહે. શ્યામનગર,રાજકોટ) કમરના ભાગે

(૪) વિશ્વા બિપીનકુમાર રામાણી, ઉં.વ.૧૬ (રહે. વેલન્જા ગામ,સુરત) ડાબા પગે

(૫) પ્રિત ઇશ્વરભાઇ  ભાયાણી, ઉં.વ.૧૭ (રહે. શ્રી નિધી રેસિડેન્સી, વરાછા, સુરત) કમરના ભાગે

(૬) મીત જ્યંતિભાઇ કાછડીયા, ઉં.વ.૧૭ (રહે.સિલ્વર ગ્રીન, ઉભરાણ, સુરત) મોંઢાના ભાગે

(૭) કમલેશ શંભુભાઇ પ્રજાપતિ, ઉં.વ.૪૬ (રહે.મનમોહન પાર્ક, ઓઢવ,અમદાવાદ) ડાબા પગે


 ક્રેનની મદદથી લક્ઝરી બસને સાઇડ પર હટાવાઇ

આર.ટી.ઓ. અને એફ.એસ.એલ.ની મદદ લેતી  પોલીસ

 વડોદરા,હરણી પોલીસે  ડ્રાઇવરની પૂછપરછ કરતા તેેણે જણાવ્યું હતું કે, આગળ જતા ટ્રેલરના ચાલકે અચાનક બ્રેક મારતા અકસ્માત થયો હતો. પરંતુ, પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો  પ્રકાશમાં આવી છે કે, ટ્રેલર ચાલકે બ્રેક મારી નહતી. લક્ઝરી બસનો ડ્રાઇવર ઓવરટેક કરવા જતા અકસ્માત થયો હોવાની શક્યતા છે. અકસ્માત પછી લક્ઝરી બસને રોડ પરથી હટાવવા માટે ક્રેન બોલાવવી  પડી હતી. અકસ્માતની તપાસ માટે પોલીસે આર.ટી.ઓે. અને એફ.એસ.એલ. અધિકારીની મદદ લીધી છે.

Tags :