સ્વચ્છ ભારતની ઝુંબેશ વચ્ચે ઘન કચરાથી દશરથના ગ્રામજનો ત્રસ્ત, બે દિવસનું અલ્ટીમેટમ
Vadodara : વડોદરા પાસે આવેલા દશરથ ગામે છેલ્લા કેટલાક સમયથી ઘનકચરા ના નિકાલના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે અને બે દિવસમાં કચરાનો નિકાલ નહીં થાય તો આંદોલનની ચીમકી આપી છે.
વડોદરા નજીક આવેલા દશરથ ગામે 10,000 થી વધુ વસ્તી વસેલી છે. જ્યાં કેટલાક સમયથી ડોર ટુ ડોર એકત્રિત કરેલા કચરાના ઢગલા રહેણાંક વિસ્તાર પાસે કરવામાં આવે છે. ક્યારેક કચરામાં આગનો બનાવ પણ બને છે અને તેને કારણે ઝેરી ગેસ ફેલાતો હોય છે. આ ઉપરાંત ગાયો તેમજ અન્ય ઢોર અહીં કચરો ખાવા માટે આવે છે અને પ્લાસ્ટિકની થેલીઓ આરોગે છે. જેથી તેમના આરોગ્ય માટે પણ જોખમ ઊભું થયું છે.
ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં તેનો નિકાલ નહીં આવતો હોવાથી હવે વુડા તેમજ પંચાયતને બે દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો કચરાનો નિકાલ નહીં થાય તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે.