પાટડી પાલિકાના એક સગીર સહિત બે કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓના ગેસ ગળતરથી મોત
- ચીફ ઓફિસર, કોન્ટ્રાક્ટર અને સેનેટરી ઈન્સ્પેક્ટર સામે કાર્યવાહી કરવાની માગ
- સેફ્ટીના સાધનો વિના ભૂગર્ભ ગટરના સંપની સફાઇ પાલિકા દ્વારા કર્મચારી પાસે કરાવતા ગૂંગણામણથી બંને મોતને ભેટયા ઃ મોડી સાંજ મૃતદેહ સ્વિકારવાનો પરિવારજનો ઇન્કાર કરતા તંત્ર દોડયું
સુરેન્દ્રનગર : પાટડી શહેરમાં ભૂગર્ભ ગટરના સંપની સફાઈ દરમિયાન એક સગીર સહિત બે કર્મચારીઓના ગેસ ગળતરને કારણે મૃત્યુ થયા છે. બંને કર્મચારીઓને યોગ્ય સુરક્ષા સાધનો વિના ભૂગર્ભ ગટરમાં કામ કરવા મોકલવામાં આવ્યા હતા. ગટરમાંથી નીકળતા ઝેરી ગેસના કારણે બંને કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી અને તેઓ બેભાન થઈ ગયા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. બનાવને પગલે મૃતકના પરિવાર અને સમાજના આગેવાનો પહોંચી પાલિકાના ચીફ ઓફીસર, કોન્ટ્રાક્ટર અને સેનેટરી ઈન્સ્પેક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
પાટડી નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર ફરજ બજાવતા સગીર કર્મચારી ચિરાગ પાટડીયા અને જયેશ પાટડીયા નામના કર્મચારીઓ ભુગર્ભ ગટરના પાણીના સંપની અંદર મોટર તેમજ સફાઈ કામગીરી માટે સંપમાં અંદર ઉતર્યા હતા. જે દરમ્યાન ગટરમાંથી નીકળતા ઝેરી ગેસના કારણે બંને કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી અને તેઓ બેભાન થઈ ગયા. સ્થાનીક લોકોએ બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગેસ ગળતરથી સ્થળ પર જ મોત નીપજ્યા હતા.
બનાવની જાણ થતાં અન્ય કર્મચારીઓ તેમજ મૃતકોના પરિવારજનો અને સમાજના આગેવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને કોન્ટ્રાક્ટર સહિત પાલિકાના સત્તાધીશો તેમજ પોલીસને જાણ કરી હતી. બંને કર્મચારીઓના મૃતદેહને પીએમ અર્થે પાટડી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ તકે મૃતકના પરિવારજનો સહિત સમાજના આગેવાનોએ કોન્ટ્રાક્ટર તેમજ પાલિકા તંત્ર સામે યોગ્ય સેફટી સાધનો વગર બન્ને કર્મચારીઓને ભુગર્ભ ગટરમાં કામ કરવા મોકલવાથી તેમની બેદરકારીના કારણે મોત નીપજ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે પાટડી પોલીસે હાલ તપાસ હાથધરી છે.
કર્મચારીઓના મોતના બનાવ બાદ પાલિકાના સત્તાધીશો તેમજ કોન્ટ્રાક્ટરનો ટેલીફોનીક સંપર્ક કરતા બનાવ અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી અને સેફટીના સાધનો અંગે પુછતા આ અંગે કાંઈ જ સ્પષ્ટ જવાબો આપ્યા નહોતા અને સમગ્ર બનાવને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ જ્યારે લખાઈ રહ્યું છે ત્યારે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. આ બનાવને પગલે જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ આવી પહોંચ્યો હતો અને લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
આ મામલે દસાડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ બંને મૃતકોના પરિવારજનોને રૂા.૧૦-૧૦ લાખની સહાય ચુકવવામાં આવે અને પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ રાજ્ય સરકાર દ્વારા મેલું ઉપાડવાની પ્રથા બંધ થઈ હોવાની જાહેરાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ હોવાનું જણાવ્યું હતું.
પાટડી નગરપાલિકાના પ્રમુખ તેમજ સત્તાધીશોને અગાઉ માર્ચ-૨૦૨૪માં ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા ગ્લોઝ, ગમ બુટ, કેપ, માસ્ક, સેનેટાઈઝર, ડ્રેસ સહિતના સેફટીના સાધનો પુરા પાડવા અંગે લેખીત રજુઆત કરવામાં આવી હતી પરંતુ તેમ છતાંય પાલિકા તંત્ર દ્વારા તેનો અમલ કરવામાં ન આવતાં અંતે બે કર્મચારીઓને પાલિકા તંત્રની બેદરકારીના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
મૃતકના પરિવારે પોલીસ મથકે ગુનો નોંધવા લેખિત ફરિયાદ કરી
બંને કર્મચારીઓના ગેસ ગળતરથી મોતના મામલે પરિવારજન બળદેવભાઈ પાટડીયાએ પાટડી પોલીસ મથકે ચીફ ઓફિસર મોસમભાઈ પટેલ, સેનેટરી ઈન્સ્પેક્ટર હર્ષદભાઈ અને મુખ્ય કોન્ટ્રાક્ટર સંજયભાઈ પટેલ સામે સેફટીના સાધનો પુરા નહીં પાડી બેદરકારી દાખવતા બંને કર્મચારીઓના મોત નીપજ્યા હોવાની લેખિત ફરિયાદ પાટડી પોલીસ મથકે કરી હતી અને તમામ સામે ગુનો દાખલ કરવાની માંગ કરી હતી.
જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ
પાટડી પાલિકાના કોન્ટ્રાક્ટબેઈઝ એક સગીર સહિત બે કર્મચારીઓને સેફટીના સાધનો વગર ભુગર્ભ ગટરની કામગીરી સોંપવામાં આવતા બન્નેના સેફટીના સાધનોના અભાવે મોત નીપજ્યા હોવાનો પરીવારજનો સહિત સમાજના આગેવાનોએ પાલિકા તંત્ર તેમજ કોન્ટ્રાક્ટર સામે આક્ષેપ કર્યો હતો અને જવાબદાર તમામ દોષિતો સામે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી બંને મૃતકોના મૃતદેહને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.