હળવદ નજીક માલગાડીની અડફેટે બે માસૂમના મોત, માતાને ઈજા, દોઢ વર્ષના બાળકનો બચાવ
Morbi News: મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં એક હચમચાવી દેનારી ઘટના બની છે. રણજીતગઢ અને કેદારીયા ગામની વચ્ચે આવેલા 109 નંબરના નાળા નજીક આજે (16 ડિસેમ્બર) બપોર 12:30 વાગ્યા આસપાસ મંગુબેન બજાણીયા નામની મહિલા તેના ત્રણ બાળકોને લઈને રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન માલગાડીની અડફેટે બે માસૂમ બાળકોના કરૂણ મોત નિપજ્યાં છે.
બે બાળકોના મોત, એકનો ચમત્કારિક બચાવ
ગોપી બજાણીયા (ઉં. 5 વર્ષ) અને નિકુલ બજાણીયા (ઉં. 3.5 વર્ષ)ના મોત નિપજ્યાં છે. જ્યારે તેમના માતા મંગુબેન બજાણીયાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ દુર્ઘટનામાં અન્ય એક દોઢ વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.
પોલીસ અને રેલવે તંત્ર દોડતું થયું
ઘટના બનતા જ તાત્કાલિક સરપંચ વિષ્ણુભાઇ સિંહોરા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે આ અંગે તંત્રને જાણ કરી હતી. ત્યારબાદ રેલવે અને સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.