સયાજી હોસ્પિટલમાં સારવાર કરાવ્યા પછી બે બાળકો કેન્સર મુક્ત
ઘણા કિસ્સામાં લોકો કેન્સરનું નામ સાંભળીને સારવાર કરાવતા નથી, પણ કેન્સરને મટાડવું શક્ય છે : ડોક્ટર
વડોદરા,સયાજી હોસ્પિટલમાં બ્લડ કેન્સરની બે વર્ષથી સારવાર ચાલુ હતી. સારવાર દરમિયાન બે બાળ દર્દીઓને કેન્સર મુક્ત કરવામાં ડોક્ટરોને સફળતા મળી છે. અગાઉ આવા કેસ અમદાવાદ રિફર કરવામાં આવતા હતા. પરંતુ, હવે સયાજી હોસ્પિટમાં જ આ સારવાર શક્ય છે.
૧૫ મહિનાની બાળકીને પગમાં સોજા આવતા અને તાવ આવતા તેને સારવાર માટે તેના પરિવારજનો બે વર્ષ અગાઉ સયાજી હોસ્પિટલના પિડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં લાવ્યા હતા. ડો.આશ્રુતિ દ્વારા રિપોર્ટ કઢાવવામાં આવતા બાળકીને બલ્ડ કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેની સારવાર શરૃ કરવામાં આવી હતી.
આવો જ એક કિસ્સો બે વર્ષ અગાઉ આવ્યો હતો. ૩ વર્ષના બાળકને તાવ અને લિવર પર સોજાની તકલીફ સાથે તેનો પરિવાર સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવ્યો હતો. આ બાળકને પણ બ્લડ કેન્સર હોવાનું નિદાન થયું હતું. બે વર્ષથી બાળકની સારવાર ચાલી રહી હતી.
બંને બાળ રોગીઓ બે વર્ષની લાંબી સારવાર પછી કેન્સર મુક્ત થયા હતા. જેના કારણે તેમના પરિવારમાં ખુશીનો માહોલ હતો. આ અંગે ડો. આશ્રુતિએ જણાવ્યું હતું કે, બ્લડ કેન્સરને મટાડવું શક્ય છે.૮૦ ટકા કિસ્સામાં બ્લડ કેન્સરને સંપૂર્ણપણે મટાડી શકાય છે. અમારી ત્યાં જ્યારે પેશન્ટ આવે અને બ્લડ કેન્સરનું નિદાન થાય ત્યારે કેટલાક પરિવારો બ્લડ કેન્સર નહીં મટે તેવું માનીને સારવાર પણ કરાવતા નથી અને બાળકને પરત ઘરે લઇ જતા હોય છે. સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં અગાઉ લ્યુકેમિયાની સારવાર કરનાર નિષ્ણાંતના અભાવે શંકાસ્પદ દર્દીઓને સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવતા હતા. હાલમાં બાળરોગ વિભાગમાં બોનમેરોની તપાસ શરૃ કરવાથી લ્યુકેમિયા, એપ્લાસ્ટિક અને એનેમિયાના દર્દીઓનું સમયસર નિદાન શક્ય બન્યું છે. વર્ષ ૨૦૨૪ માં કુલ ૨૦ દર્દીઓની બોનમેરો તપાસ પછી ૭ દર્દીઓની લ્યુકેમિયાની સારવાર કરવામાં આવી છે.