Get The App

વડોદરામાં રાતે વોક માટે નીકળતી મહિલાના અછોડા તોડતી ગેંગ પકડાઇઃ2 મહિનામાં 7 અછોડા તોડ્યા

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
વડોદરામાં રાતે વોક માટે નીકળતી મહિલાના અછોડા તોડતી ગેંગ પકડાઇઃ2 મહિનામાં 7 અછોડા તોડ્યા 1 - image


શહેરમાં રાતના સમયે મહિલાઓના અછોડા તૂટવાના બનાવો બનતા હોવાથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર જી જાડેજા અને ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ સર્વેલન્સ મારફતે અછોડાતોડોની વિગતો એકત્રિત કરી હતી.

જે દરમિયાન બે અછોડાતોડ સયાજીપુરા હાઇવે પર લૂંટેલા અછોડા વેચવા માટે ફરતા હોવાની માહિતી મળતાં પોલીસે વોચ રાખી નામચીન દિલદારસિંગ તુફાનસિંગ બાવરી(વારસીયા વિમાના દવાખાના પાસે) અને તારાસિંગ કલ્લુસિંગ બાવરી(નવી નગરી,સયાજીપુરા)ને ઝડપી પાડયા હતા.

બંનેની તપાસ કરતાં સોનાની બે ચેન અને મંગળસૂત્ર મળ્યા હતા.જેથી તેઓની વધુ પૂછપરછ કરતાં બે માસના ગાળામાં આજવારોડ,વાઘોડિયારોડ જેવા વિસ્તારોમાં રાતે ચાલવા નીકળતી મહિલાઓના સાત જેટલા અછોડા લૂંટયા હોવાની વિગતો ખૂલી હતી.પોલીસે તેમની પાસેથી સોનાની છ ચેન, એક મંગળસૂત્ર અને બાઇક મળી કુલ રૃ.૭ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસથી બચવા લૂંટેલી ચેન ગીરવી મૂકતા,નંબર પ્લેટ પર માટી લગાવતા હતા

પોલીસની તપાસ દરમિયાન બંને અછોડા તોડો પૈકી દિલદારસિંગ અછોડા તોડવાનું કામ કરતો હોવાની અને તારાસિંગ  બાઇક ચલાવતો હોવાની માહિતી ખૂલી છે.

આ પૈકી દિલદારસિંગ ક્યારેક ચાલુ બાઇકે તો ક્યારેક દૂર બાઇક ઉભી રાખી ચાલતો આવીને અછોડો તોડી જતો હોવાનું પોલીસે કહ્યું છે.

પોલીસથી બચવા માટે તેઓ સોની બજારમાં અછોડા વેચવાનું ટાળતા હતા અને તારાસિંગે તેના માતા-પિતાને આગળ ધરી ચેન ગીરવી મૂકી રોકડ મેળવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.જ્યારે,સીસીટીવી ફૂટેજથી  બચવા નંબર પ્લેટ પર માટી લગાવી કે બીજીકોઇ રીતે નંબર વંચાય નહિ તેમ કરતા હતા.આ ઉપરાંત આખું મોઢું ઢંકાઇ જાય તેવા કપડાં પહેરતા હતા.



Google NewsGoogle News