ધ્રાંગધ્રાના પીપળાના બે પશુપાલકોની 50 ગાયો પરત ન આપી છેતરપિંડી
ચરાવવા માટે રાખ્યા બાદ પરત નહીં આપી ઠગાઈ
ગાય દીઠ પાંચ હજાર લેખે રૂા. ૨.૫૦ લાખ પણ ઓળવી ગયા માળિયા મીયાણાના ચીખલી ગામના બે શખ્સો સામે ફરિયાદ
ધ્રાંગધ્રાના પીપળા ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા ફરિયાદી ગોપાલભાઈ સીધાભાઈ ગોલતર અને તેમના કૌટુંમ્બીક ભાઈએ વર્ષ ૨૦૨૩માં ગામમાં ઘાસચારાની તંગી સર્જાતા મુશ્કેલી પડી રહી હતી. તે દરમ્યાન માળીયાના ચીખલી ગામે રહેતા બે શખ્સો આસપાસના વિસ્તારની ગાયોને ઉધ્ધડમાં ચરાવવા માટે રાખતા હોવાનું અને આ વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું જાણવા મળતા તેમનો સંપર્ક કર્યો હતો. એક ગાય દીઠ રૂા.૩૦૦ પ્રતિ મહિના લેખે નક્કી કરી કુલ ૫૦ ગાયો બન્નેને ચરાવવા માટે આપી હતી. ત્યારબાદ ફરિયાદી અને તેમના કૌટુંમ્બીક ભાઈ અવાર-નવાર ત્યાં જઈ ગાયોની સારસંભાળ પણ રાખતા હતા અને ગાયો ત્યાં સહી સલમત હતી. પરંતુ છેલ્લા દોઢ બે મહિનાથી ફરિયાદી ચીખલી ગામે જતા ત્યારે તેઓની ગાય જોવા ન મળતા આ અંગે પુછપરછ કરતા બન્ને શખ્સો દ્વારા ગાયોને વીડ વિસ્તારમાં ચરાવવા માટે લઈ ગયા હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ થોડા દિવસો પછી ફરી વખત ફરિયાદી અને તેમના ભાઈ ચીખલી ખાતે ગાયોને પરત લેવા ગયા હતા અને જંગલ વિસ્તારમાં ગાયની શોધખોળ કરી હતી પરંતુ ગાયનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો અને પોતાના ગામ પીપળા પરત આવી ગયા હતા જે બાબતે જે વ્યક્તિને ગાય આપી હતી તેનો ટેલીફોનીક સંપર્ક કરતા ગાયો ભડકીને જંગલમાં ભાગી ગઈ હોવાનું જણાવ્યું હતું. આમ બન્ને શખસોએ ગાયોને ચરાવવા માટે ફરિયાદીને વિશ્વાસમાં લઈ ૫૦ ગાયો રાખી લીધી હતી પરંતુ ત્યારબાદ ગાયો અંગે કોઈપણ જાતની માહિતી ન આપતા ભોગ બનનાર પશુપાલકે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે બે શખ્સો (૧) મુસ્તાક અમીનભાઈ અને અમીનભાઈ કરીમભાઈ લધાણી બન્ને રહે.ચીખલી તા.માળીયા મીયાણાવાળા સામે એક ગાયના રૂા.૫,૦૦૦ લેેખે કુલ ૫૦ ગાયના કિંમત રૂા.૨.૫૦ લાખ ચરાવવા માટે રાખી ત્યારબાદ પરત ન આપી છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત અંગે ફરિયદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથધરીછે.