ફ્લેટ પેટે રીક્ષા ચાલક પાસેથી રૂ.4.33 લાખ લઈ બે બિલ્ડર ઓફિસ બંધ કરી ફરાર
ગંગાધરા રેલવે ફાટક પાસે વિનાયક રેસીડન્સીના નામે પ્રોજેક્ટ શરૂ કરી મહેન્દ્ર પરમાર અને સમીર પટેલે બુકીંગ લીધું હતું
લોનમાં વ્યાજ વધુ જશે એટલે તારી સગવડ મુજબ થોડાથોડા પૈસા જમા કરાવશે અને ફ્લેટની કિંમતની અડધી રકમ જમા થશે એટલે દસ્તાવેજ કરી આપવાની બંને બિલ્ડરે ખાતરી આપી હતી
- ગંગાધરા રેલવે ફાટક પાસે વિનાયક રેસીડન્સીના નામે પ્રોજેક્ટ શરૂ કરી મહેન્દ્ર પરમાર અને સમીર પટેલે બુકીંગ લીધું હતું
- લોનમાં વ્યાજ વધુ જશે એટલે તારી સગવડ મુજબ થોડાથોડા પૈસા જમા કરાવશે અને ફ્લેટની કિંમતની અડધી રકમ જમા થશે એટલે દસ્તાવેજ કરી આપવાની બંને બિલ્ડરે ખાતરી આપી હતી
સુરત, : સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા યુવાન રીક્ષા ચાલક પાસેથી ગંગાધરા રેલવે ફાટક પાસે વિનાયક રેસીડન્સીના નામે પ્રોજેક્ટ શરૂ કરનાર સારોલી ટાઈમ્સ ગેલેરીયામાં ઓફિસ ધરાવતા બે બિલ્ડરે ફ્લેટ વેચાણના રૂ.4.33 લાખ પડાવી દસ્તાવેજ નહીં કરી કે કબ્જો નહીં આપી ઓફિસ બંધ કરી દીધી હતી અને ફરાર થઈ ગયા હતા.રીક્ષા ચાલકે કરેલી અરજીના આધારે સારોલી પોલીસે બંને બિલ્ડર વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બિહારનો વતની અને સુરતમાં પાંડેસરા તેરેનામ ચાર રસ્તા પાસે રામેશ્વરનગર સોસાયટી ઘર નં.159 માં રહેતા 21 વર્ષીય રીક્ષા ચાલક નીતીશકુમાર મંગલ રાવતે બે વર્ષ અગાઉ ઉધના દરવાજા વિસ્તારમાં રોડની સાઈડમાં ગંગાધરા રેલવે ફાટક પાસે વિનાયક રેસીડન્સીમાં માત્ર રૂ.15 હજાર ડાઉન પેમેન્ટ ભરી ફ્લેટના માલિક બનો તેવું બોર્ડ વાંચી તેમાં આપેલા નંબર ઉપર વાત કરી સારોલી ગામ પાસે આવેલા ટાઈમ્સ ગેલેરીયાના ત્રીજા માળે ઓફિસમાં મહેન્દ્ર પરમાર સાથે મુલાકાત કરી હતી.મહેન્દ્ર પરમારે રૂ.8 લાખના ફ્લેટ અંગે વાત કરતા પસંદ આવતા નીતીશકુમારે રૂ.15 હજાર ભર્યા હતા અને ફ્લેટની લોન માટે દસ્તાવેજો આપ્યા હતા.
જોકે, બીજા દિવસે મહેન્દ્ર પરમારે લોનમાં વ્યાજ વધુ જશે એટલે તારી સગવડ મુજબ થોડાથોડા પૈસા જમા કરાવશે અને ફ્લેટની કિંમતની અડધી રકમ જમા થશે એટલે દસ્તાવેજ કરી આપવાની વાત કરતા નીતીશકુમાર સાઈટ પર ગયો હતો અને ત્યાં મહેન્દ્ર પરમારના ભાગીદાર સમીરભાઈ પટેલને મળી ખાતરી કર્યા બાદ ટુકડેટુકડે પેમેન્ટ આપવાનું શરૂ કર્યું હતું.નીતીશકુમારે રોકડા રૂ.2.28 લાખ અને ગુગલ પેથી અન્ય રકમ જમા કરી કુલ રૂ.3,91,244 જમા કરી દસ્તાવેજ કરી આપવા કહેતા બને બિલ્ડરે દસ્તાવેજના રૂ.42 હજાર રોકડા લીધા હતા.જોકે, ત્યાર બાદ બંનેએ દસ્તાવેજ કરી આપ્યો નહોતો.બંને ઉડાઉ જવાબ આપતા હોય અને તે દરમિયાન મહેન્દ્રભાઈનો ફોન સ્વીચ થતા તેની સારોલી સ્થિત ઓફિસે તપાસ કરી તો તે પણ બંધ થઈ ગઈ હતી.
આથી નીતીશકુમારે અન્ય બિલ્ડર સમીરભાઈ પટેલને ફોન કરતા તેમણે મહેન્દ્ર પરમારે તારા ફ્લેટના પૈસા મને આપ્યા નથી તેમ કહી દસ્તાવેજ કરવાનો ઈન્કાર કર્યો હતો.આથી આ અંગે નીતીશકુમારે બંને વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી.સારોલી પોલીસે અરજીના આધારે બંને બિલ્ડર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.વધુ તપાસ પીએસઆઈ એસ.આર.રાણા કરી રહ્યા છે.