ધ્રાંગધ્રામાં જીન માલિકને ગોંડલના બે ભાઇએ મારી નાખવાની ધમકી આપી
- અગાઉના હિસાબ-કિતાબ મામલે ઝઘડો ચાલી રહ્યો હતો
- જીનના સિક્યોરીટી ગાર્ડ, મજુરો આવી જતાં આરોપીઓ નાસી છુટયા : બે સામે ફરિયાદ
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા-હળવદ રોડ પર જીનીંગ ફેકટરી ધરાવતા અને હાલ અમદાવાદ રહેતા વેપારીને જીનીંગના હિસાબ-કિતાબ બાબતે ગોંડલ રહેતા બે શખ્સો સાથે ઝઘડો ચાલી રહ્યો હતો જેનું મનદુઃખ રાખી બન્ને શખ્સોએ જીનીંગ ફેકટરીમાં આવી ગાળો બોલી જીન માલીકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે ભોગ બનનારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ધ્રાંગધ્રામાં હળવદ રોડ પર જલારામ જીનીંગ ફેકટરી ધરાવતા અને હાલ અમદાવાદ ખાતે કપાસનો વેપાર કરતા ફરિયાદી નરેશકુમાર ઉર્ફે નાનુભાઈ ગીરધરલાલ લોટીયાએ અંદાજે ૮ મહિના પહેલા ગોંડલ તાલુકાના બિલીયારા ગામે આવેલ રાધા-માધવ નામની જીનીંગ ફેકટરી ૧૧ મહિનાના ભાડા પેટે અંકિતભાઈ હર્ષદભાઈ સેલાણી તેમજ ભાવેશભાઈ જયંતિભાઈ સેલાણી (રહે.ગોંડલ) પાસેથી ભાડે રાખી હતી. જે દરમિયાન ભાવેશભાઈ તથા તેમના પરિવારજનો સાથે જીનીંગ ફેકટરીના હિસાબ બાબતે અવાર-નવાર બોલાચાલી અને ઝઘડો થતા ફરિયાદીએ તે ફેકટરી છોડી દીધી હતી. આથી આ હિસાબ બાબતનું મનદુઃખ રાખી બંને શખ્સોએ ધ્રાંગધ્રા-હળવદ રોડ પર આવેલી ફરિયાદીની જીનીંગ ફેકટરીમાં આવી ગાળો આપી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે દરમિયાન ફરિયાદીના જીનના સિક્યોરિટી ગાર્ડ તેમજ મજુરો ત્યાં આવી પહોંચતા બંને શખ્સો નાસી છુટયા હતા. જે મામલે ભોગ બનનાર ફરિયાદી અને જીન માલીકે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે બે શખ્સો ભાવેશભાઈ જયંતીભાઈ સેલાણી અને હર્ષદભાઈ જયંતીભાઈ સેલાણી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.