2 બાઈક સામસામે અથડાતા 3 યુવકોના સ્થળ પર જ મોત

- લોધીકાના દેવડા ગામના પાટીયા પાસે

- મૃતકમાં બે યુવકો મામા-ફઈના ભાઈ હતા, હરીપર ગામે માતાજીના માંડવામાં જતી વખતે અકસ્માત નડયો

Updated: Nov 12th, 2021


Google NewsGoogle News
2 બાઈક સામસામે અથડાતા 3 યુવકોના સ્થળ પર જ મોત 1 - image


રાજકોટ, : લોધીકાના દેવડા ગામના પાટીયા પાસે ગઈકાલે રાત્રે બે બાઈક સામસામે અથડાતા ત્રણ યુવાનના ઘટનાસ્થળે જ મોત નિપજતા તેમના પરીવાર ઉપર આભ તુટી પડયું હતું. ભોગ બનનાર બે યુવકો મામા-ફઈના ભાઈઓ થતા હતા. 

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતો રણછોડ ગોરધન વાઘેલા (ઉ.વ.ર૦) ગઈકાલે કાલાવડ રોડ પરના હરીપર (પાળ) ગામે પોતાના દેવીપુજક સમાજના માતાજીનો માંડવો હોવાથી કાલાવડના ખંઢેરા ગામે રહેતા મામાના પુત્ર કરસન બચુભાઈ સોલંકી (ઉ.વ.ર૦) પાસે ગયો હતો અને તેને પોતાના બાઈક પર બેસાડી હરીપર જવા રવાના થયો હતો. 

બીજી તરફ રાજકોટના મુંજકા ગામે રહેતો મુળ જસદણના વીરનગર ગામનો હર્ષિત તુલસીભાઈ રામાણી (ઉ.વ.ર૩) કે જે માલવીયા ચોકમાં આવેલી સિલ્વર પેલેસ હોટલમા નોકરી કરવાની સાથોસાથ હોટલ મેનેજમેન્ટનો કોર્સ પણ કરે છે. તે પણ પોતાનું બાઈક લઈ કોઈ કામ અર્થે કાલાવડ તરફ રવાના થયો હતો.  લોધીકાના દેવડા ગામના પાટીયા પાસે આ ત્રણેય યુવકોના બાઈક સામસામે અથડાતા બાઈક પરથી ફુટબોલની જેમ ફંગોળાયા બાદ ત્રણેયને બ્રેઈન હેમરેજ થઈ ગયા હતા. જેને કારણે સ્થળ પર જ ત્રણેયના મોત નિપજયા હતા. ૧૦૮ ના તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. જાણ થતા લોધીકાના એએસઆઈ કે.કે.ગઢવી અને કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ગોહિલ સ્થળ પર દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી કરી હતી.  પોલીસે જણાવ્યું કે ભોગ બનનાર હર્ષિત અને રણછોડ તેના માતા-પિતાના એકલૌતા પુત્ર હતા. જયારે કરસન બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો. તે ઉપરાંત રણછોડ મજુરી કામ કરતા હતા. હર્ષિતનું બાઈક રોંગ સાઈડમાં હતું. 


Google NewsGoogle News