જામનગર શહેર અને લાલપુરમાં થયેલી બે બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો: બે ચોરાઉ બાઇક સાથે એક તસ્કર પકડાયો
જામનગર શહેર અને લાલપુરમાં થયેલી બે મોટરસાયકલ ની ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી ની ટુકડીને સફળતા સાંપડી છે, અને હરીપર ગામના એક તસ્કરને ઝડપી લીધો છે અને તેની પાસેથી બે ચોરાઉ મોટરસાયકલ કબજે કરી લીધા છે.
લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામમાં રહેતા અને એપ્રેન્ટિસ તરીકે અભ્યાસ કરતા અયુબભાઈ ગુલમામદભાઈ વાંઢા નામના ૨૦ વર્ષના વિદ્યાર્થી યુવાને લાલપુરના એસ.ટી. બસ સ્ટેન્ડ ની બાજુમાં પાર્ક કરેલું પોતાનું બાઈક કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાવી હતી.
જે વાહન ચોરીનો ભેદ એલસીબી ની ટુકડીએ ઉકેલી નાખ્યો હતો, અને હરીપર ગામના વતની મેહુલ ઉર્ફે રામલો હિતેશભાઈ પરમાર નામના શખ્સ ને અટકાયતમાં લઈ લીધો હતો, અને તેની પાસેથી ચોરાઉ બાઇક કબજે કરી લીધું હતું.
જેની પૂછપરછ દરમિયાન તેણે જામનગર શહેરના સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી પણ એક બાઈક ચોરી કરી હોવાની કબુલાત આપી હતી, અને તે ચોરાઉ મોટરસાયકલ પણ એલસીબી ની ટુકડીએ કબજે કરી લીધું છે, અને તેની વધુ પૂછપરછ ચલાવાઈ રહી છે.