કંજરી ઓવરબ્રિજ પાસે ટેલરે ટક્કર મારતા બે ભિક્ષુકના મોત
- ખેડા જિલ્લામાં માર્ગ અકસ્માતની 3 ઘટના
- મહેમદાવાદ ગ્રીડ નજીક રિક્ષા પલટી મારી જતા ચારને ઈજા, પીપલગ પાસે બે ટુવ્હીલર અથડાતા યુવાન ઘાયલ
નડિયાદ તાલુકાના ટુંડેલ ગામે રહેતા નવઘણભાઈ શંકરભાઈ સલાટ તેમના પિતા શંકરભાઈ દેવાભાઈ સલાટ તેમજ સુરેશભાઈ રમણભાઈ બામણીયા રિક્ષામાં બેસી કંજરી બોરીયાવી રેલવે સ્ટેશન પર જાય છે. ત્યાંથી ટ્રેનમાં ભિક્ષા માંગે છે આ ત્રણેય કંજરી ઓવરબ્રિજ ચડતા રોડની સાઈડમાં ઉભેલ વાહનના છાયામાં ઉભા હતા. આ દરમિયાન તોતિંગ ટેલરે ટક્કર મારતા શંકરભાઈ દેવાભાઈ સલાટ (ઉંમર વર્ષ ૫૦)તેમજ સુરેશભાઈ રમણભાઈ બાંભણિયા (ઉંમર ૩૭ વર્ષ) ને શરીર ઉપર ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે નવઘણભાઈ શંકરભાઈ સલાટની ફરિયાદ આધારે વડતાલ પોલીસે ટેલરના ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે અકસ્માતનો બીજો બનાવ ખાત્રજ ચોકડીથી મહેમદાવાદ ખેડા રોડ ઉપર બન્યો હતો. જેમાં ઉમરેઠ તાલુકાના ઝાલા બોરડીના ગણપતભાઈ બુધાભાઈ પરમાર ખાત્રજ ચોકડીથી રિક્ષામાં બેસી પોતાના સંબંધીના ઘરે છાપરા ગામે જતા હતા. આ દરમિયાન મહેમદાવાદ ગ્રીડ નજીક મોટો ખાડો આવતા રિક્ષા ચાલકે કાઉ મારતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેથી રીક્ષામાં બેઠેલ ગણપતભાઈ પરમાર, જયમીન ગૌતમભાઈ પરમાર (રહે. સંજાયા), સોમાભાઈ રાવજીભાઈ ઠાકોર (રહે. કરમસદ) તેમજ રીક્ષા ચાલક વિનોદભાઈ શાહને ઇજા થઈ હતી.
આ બનાવ અંગે ગણપતભાઈ બુધાભાઈ પરમારની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે અકસ્માતના ત્રીજા બનાવમાં દસકોઈ તાલુકાના વિંઝોલમાં રહેતા અક્ષર ભાસ્કરભાઈ વ્યાસનો નાનો ભાઈ પ્રભાકર મોટરસાયકલ લઈ નડિયાદ નવચંડી યજ્ઞા કરવા જવા નીકળ્યો હતો. તે પીપલગ ભુવનેશ્વર મહાદેવ આગળથી પસાર થતા હતા. ત્યારે રોંગ સાઈડ પર હંકારી આવેલ એકટીવાએ મોટરસાયકલને ટક્કર મારતા બાઈક ચાલક પ્રભાકર વ્યાસને રોડ ઉપર પડી જતા ઈજા થઈ હતી. આ બનાવ અંગે અક્ષય ભાસ્કરભાઈ વ્યાસની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે એકટીવા ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.