પુન્દ્રાસણ પાસે પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે કડીના બે પકડાયા
ગાંધીનગર જિલ્લામાં ઘાતકી પતંગની દોરીનો પ્રવેશ
સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપની ટીમે બાતમીના આધારે ૫૫ રીલ કબ્જે કરીઃજથ્થો મંગાવનાર પુન્દ્રાસણનો રાજુ વોન્ટેડ
થોડા દિવસ અગાઉ અમદાવાદમાં પતંગની દોરીથી મોપેડ ઉપર જઇ
રહેલા યુવાનનું મોત થયું હતું અને તપાસ કરતા ચાઇનીઝ દોરીના કારણે જ યુવાનનું ગળું
કપાયું હોવાનું બહાર આવ્યું હતું. રાજ્યમાં ઘણા વર્ષોથી ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ
ફરમાવી દેવામાં આવ્યો છે છતા નફાની લાલચમાં વેપારીઓ આ ઘાતકી દોરીનો અંદરખાને વેપાર
કરી રહ્યા છે અને લોકો પણ તે ખરીદી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે ગાંધીનગર એસઓજી પીઆઇ
વી.ડી.વાળા દ્વારા પ્રતિબંધીત એવી જીવલેણ ચાઇનીઝ દોરીનું જિલ્લામાં વેચાણ કે
હેરાફેરી ન થાય તે સંદર્ભે વોચ રાખવા સ્ટાફના માણસોને સુચના આપવામાં આવી હતી. જેના
અનુસંધાને એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, કલોલથી કારમાં
ચાઇનીઝ દોરીનો જથ્થો ભરીને પુન્દ્રાસણ નજીક એક કાર આવવાની છે જે બાતમીને પગલે આ
પોલીસ ટીમે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર આવતા તે ઉભી રાખીને તેમાં સવાર
શખ્સોની તપાસ કરતા તે કડીના નરસીંહપુરા ખાતે રહેતા રાહુલ ભિખાજી ઠાકોર અને ભાવેશ
દેવાજી ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કારમાં તપાસ કરતા પ્રતિબંધીત એવી
ચાઇનીઝ દોરીના પપ રીલ તેમની પાસેથી મળી આવ્યા હતા. જે જથ્થા સંદર્ભે પુછપરછ કરતા
પુન્દ્રાસણના રાજુ નામના શખ્સે તે મંગાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે
તેની સામે પણ ગુનો દાખલ કરીને શોધખોળ શરૃ કરી છે.