ચોટીલાના ખાટડી ગામની સીમમાં 400 લીટર દેશી દારૂ સાથે બે ઝડપાયા
- દેશી દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા
- દેશી દારૂ, આથો સહિત 3.50 લાખનો મુદ્દામાલ કબજે કરાયો : ચાર સામે ગુનો
સુરેન્દ્રનગર : ચોટીલાના ખાટડી ગામની સીમમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે. ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો કરી ૪૬૫ લીટર દેશી દારૂ કિંમત રૂા.૯૩,૦૦૦, ૧૦૦૦ લીટર આથો કિંમત રૂા.૨૫,૦૦૦ સહિત કુલ રૂા.૩.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કરી બેની અટકાયત કરી ચાર વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.
ચોટીલા તાલુકાના ખાટડી ગામની સીમમાં આવેલ વાડીમાં અમુક શખ્સો દ્વારા દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની ફરિયાદ ઉઠી હતી. જેને લઈ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો કરી હતી સ્થળ પરથી દેશી દારૂ ૪૬૫ લીટર કિંમત રૂા.૯૩,૦૦૦, દેશી દારૂ બનાવવાનો આથો ૧૦૦૦ લીટર કિંમત રૂા.૨૫,૦૦૦ સહિત બે બોયલેર, ૧૨ પ્લાસ્ટીકના બેરલ, એક મોબાઈલ, ગોળ ૫૭૦ કિલો કિંમત રૂા.૫,૭૦૦, બે બાઈક સહિત કુલ રૂા.૩,૫૦,૫૦૦ના મુદ્દામાલ સાથે બે શખ્સો નરેશ વલકુભાઈ વનરા અને પસો કમાભાઈ મલકીયા (બંને રહે.ખાટડી તા.ચોટીલા)ને ઝડપી લીધા હતા. બંનેની પુછપરછ કરતા અન્ય બે શખ્સો દનકુભાઈ નાઝભાઈ ખાચર અને ગભરૂભાઈ નાઝભાઈ ખાચર (બંને રહે.ખાટડી તા.ચોટીલા) હાજર મળી આવ્યા નહોતા આથી ઝડપાયેલ બંને શખ્સો અને હાજર મળી ન આવેલ બે શખ્સો સહિત કુલ ચાર વ્યક્તિ સામે નાની મોલડી પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે. જ્યારે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એસએમસી ટીમ દ્વારા રેઈડ કરી દેશી દારૂ ઝડપી પાડતા સ્થાનીક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.