385 લીટર ચોરાઉ સોયાબીન તેલનાં જથ્થા સાથે બે ઝડપાયા
મીઠીરોહરની તેલ ચોરીનો વધુ એક પર્દાફાશ
હાઇવે પર ટેન્કરોમાંથી તેલ કાઢી સંગ્રહ કરી વેચાણ કરતા હોવાનું ખુલ્યુ
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામનાં મીઠીરોહર સીમમાં રુચિસોયા કંપની નજીક બાવળોની ઝાડીમાં પૂર્વ કચ્છ એલ સી બી ની ટીમે બાતમી આધારે દરોડો પાડી બે શખ્સો મુકેશ કાનજીભાઈ મારાજ (રહે. મૂળ રાપર ભીમાસર હાલે આદિપુર) અને રાજેશ રામવીર રાજપૂત (રહે. મૂળ ઉત્તરપ્રદેશ હાલે કાર્ગો ઝુંપડા ગાંધીધામ)ને ૩૮૫ લીટર સોયાબીન તેલ જેની કિંમત રૂ. ૩૪,૬૫૦નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.જ્યારે તેમની સાથે અંજારનાં વરસામેડીમાં રહેતો પંકજ નટુભાઈ ઠક્કર પોલીસને હાથ આવ્યો ન હતો. બે શખ્સોની પૂછપરછ કરતા તે હાઇવે રોડ પરથી પસાર થતા અલગ અલગ ટેન્કરોનાં ચાલકોને રૂપિયાની લાલચ આપી અને તેમના પાસેથી સોયાબીન તેલ મેળવી તેનો સંગ્રહ કરી વેચાણ કરતા હોવાનું ખુલ્યું હતુ. જેથી પોલીસે સોયાબીન તેલનાં જથ્થા સાથે એક કાર સહીત કુલ રૂ. ૨,૫૪,૬૫૦નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય શખ્સો વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી બાકી એક આરોપીને ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથ ધરી હતી.