ઓરિસ્સાથી મંગાવેલા 24 કિલોગ્રામ ગાંજા સાથે રાજકોટમાં બે શખ્સો ઝબ્બે
- બંને આરોપીઓ સેન્ટ્રીગ કામ કરે છે
રાજકોટ : રાજકોટમાંથી એસઓજીએ ર૪ કીલો ગાંજા સાથે કાર્તિક ઉર્ફે ભોલો કાનજીભાઈ ગોહેલ (ઉ.વ.૩૩, રહે. આરએમસી કવાર્ટર નં.૧૪૬૮, ગોવિંદ રત્ન બંગલો સામે, નાનામવા) અને જીવાભાઈ હાથીયાભાઈ ચુડાસમા (ઉ.વ.૪ર, રહે. કોઠારીયા રેલ્વે સ્ટેશનની સામે, રપ વારીયા કવાર્ટર)ને ઝડપી લીધા હતા. ઓરિસ્સાથી આ ગાંજાનો જથ્થો મંગાવ્યાનું બહાર આવ્યું છે.
કેટલા સમયથી ગાંજાનો વેપલો કરે છે તે સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી
એસઓજીના જમાદાર દિગ્વિજયસિંહ ગોહિલ અને હાર્દિકસિંહ પરમારને મળેલી બાતમીના આધારે પીઆઈ એસ.એમ. જાડેજાએ શાસ્ત્રીમેદાન પાસેથી બાઈક પર નીકળેલા બંને આરોપીઓને અટકાવી તેમની પાસે રહેલા પીળા કલરના થેલાની તલાશી લેતાં અંદરથી ર૪.૦૬૯ કીલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત એસઓજીએ રૂા.ર.૪૦ લાખ ગણી હતી. બે મોબાઈલ ફોન, બાઈક વગેરે મળી કુલ રૂા.ર.૯પ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એસઓજીને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને આરોપીઓ સેન્ટ્રીગ કામ કરે છે. જેમાંથી આરોપી કાર્તિકે રૂા.પ૦ હજાર આપી બીજા આરોપી જીવાને ગાંજો લેવા માટે ઓરિસ્સા મોકલ્યો હતો. બદલામાં આ ખેપ દીઠ તેને રૂા.૧પ હજાર આપવાનો વાયદો કર્યો હતો. જેથી આરોપી જીવા ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લઈ ટ્રેનમાં વડોદરા સુધી આવ્યો હતો. વડોદરાથી ખાનગી બસમાં રાજકોટ આવ્યો હતો. શાસ્ત્રી મેદાન પાસે બસમાંથી ઉતરતા તેને આરોપી કાર્તિક લેવા આવ્યો હતો. બંને આરોપીઓ ગાંજાનો જથ્થો લઈ જતા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા.
હાલ આરોપી કાર્તિક પ્રથમ વખત ઓરિસ્સાથી ગાંજો મંગાવ્યાનું રટણ કરી રહ્યો છે. પરંતુ એસઓજીને તે છેલ્લા બે-ત્રણ માસથી ગાંજાનો વેપલો કરતો હોવાનું જાણવા મળ્યું છે. તેની સામે ર૦રરની સાલમાં ક્રાઈમ બ્રાંચમાં પ્રોહિબીશનનો ગુનો નોંધાયો હતો. તે ખરેખર કેટલા સમયથી ગાંજો વેચે છે, કોને-કોને ગાંજો વેચે છે તે સહિતના મુદ્દે હવે પોલીસ તપાસ કરશે. એ-ડિવીઝન પોલીસમાં બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.