મહેસાણામાં મહાકાળી જ્વેલર્સ સાથેની છેતરપિંડીમાં બે શખ્સની ધરપકડ
મહેસાણા : મહેસાણા શહેરના રાધનપુર રોડ પરના મહાકાળી જ્વેલર્સ શો રૂમમાંથી રૂ.૪.૨૩ લાખની સોનાની લગડીની ખરીદી કરી તેના પેમેન્ટ માટે બેન્ક બેલેન્સ વગરનો ચેક આપી છેતરપિંડી કર્યાના ગુનામાં તાલુકા પોલીસે રાજકોટ પંથકના બે શખસને દબોચી લીધાં હતા. પોલીસે બંને શખસના કબજામાંથી રૂ.૪.૨૩ લાખની સોનાની લગડીની મતા કબજે લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી. મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલાં મે.મહાકાળી જ્વેલર્સ શો રૂમમાંથી રૂ.૪,૨૩,૩૦૦ ની સોનાની બે લગડી વજન પ૧ ગ્રામની ખરીદી કરી પોતાની ખોટી ઓળખ આપે પેમેન્ટ પેટે એક ભારતીય સ્ટેટ બેન્કનો અન્ય વ્યક્તિના નામનો બેન્ક બેલેન્સ રકમ વગરનો ચેક આપી છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા.
તપાસનીશ અધિકારીએ આરોપીઓના લોકેશન મેળવી જેતપુર ખાતે એક ટીમને મોકલી હતી. જેમાં સર્વેલન્સની ટીમે જેતપુરના સરદાર ચોક નજીક શંકાસ્પદ હાલતમાં ઉભેલાં બે શખસ શૈલેષ ઉર્ફે ચીકુ છગનભાઈ ઉંધાડ (પટેલ) (ઉવ.૪૩) રહે.હાલ ખોડલધામ સોસાયટી, બ્લોક નં.૬૯, ગંુદારા રોડ, ગોંડલ, તા. જેતપુર, જિ.રાજકોટ) તથા કલ્પેશ ઉર્ફે ભોડી વ્રજલાલ ઉર્ફે વજુભાઈ વોરા (પટેલ) રહે. બોરડી, સમઢિયાળા ચોરા પાસે, તા.જેતપુર, જિ.રાજકોટ)ને ઝડપી લીધા હતા.