ડિજિટલ એરેસ્ટમાં કમિશનથી બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર બે પકડાયા
૨૦૦ કરોડ રૃપિયાના મનીલોન્ડરિંગ કેસમાંકેસમાં ફસાવવાની ધમકી આપી
આંગડિયાથી રૃપિયા ટોળકીને ટ્રાન્સફર કરી આપતા હતા આરોપીઓ દ્વારા અત્યાર સુધીમાં ૩૦ કરોડ મોકલી આપ્યા
ગાંધીનગર : સરગાસણમાં રહેતા દંપતીને ૨૦૦ કરોડના મનીલોન્ડરિંગ કેસમાં ૫૬ એફઆઇઆર નોંધાવી હોવાનું કહી ડિજિટલ એરેસ્ટ કરીને સાયબર ગઠિયાઓએ અઢી લાખ રૃપિયા પડાવી લેવાના કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે જે એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર થયા હતા તેના બે માલિકોને ઝડપી લીધા છે. બે ટકા કમિશન માટે એકાઉન્ટ ભાડે આપતા હોવાનું બહાર આવ્યું છે.
ગાંધીનગરના સરગાસણ ખાતે રહેતા વિજયભાઈ વિશ્વકર્માને ગત ૩
જાન્યુઆરીએ સાંજે અજાણ્યા નંબરથી ફોન આવ્યા બાદ સાયબર ગઠિયાઓએ દંપતીના મોબાઈલ હેક
કર્યા હતા. ત્યારબાદ તેમને દિલ્હી પોલીસના નામે વોટ્સએપ વીડિયો કોલ કરી, તેમના નામે ૨૦૦
કરોડના મની લોન્ડરિંગ કેસમાં ૫૬ એફઆઇઆર નોંધાઈ હોવાની ખોટી માહિતી આપી હતી. પોલીસ
અધિકારી, રાજકારણી
અને બેંક કર્મચારીઓની સંડોવણી હોવાનું જણાવી દંપતીને ૨૪ કલાક સુધી ફોન પર જ રાખ્યા
હતા. રાત્રે સૂતી વખતે પણ ફોન અને લાઈટ ચાલુ રાખવાની ફરજ પાડી હતી. ગભરાયેલા
દંપતીએ તેમની બેંક એકાઉન્ટની વિગતો આપી દેતા ગઠિયાઓએ અઢી લાખ રૃપિયા ઉપાડી લીધા
હતા. આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે ગાંધીનગર સાયબર
ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા આ ગુનામાં ટેકનિકલ સર્વેલાન્સને આધારે સુરેન્દ્રનગર
મહાલક્ષ્મી મંદિર સામે રહેતા ભાવેશ મનોજભાઈ નિમાવત અને સુરેન્દ્રનગર જોરાવર નગર
ખાતે રહેતા યસ સુભાષભાઈ દંગીને ઝડપી લેવામાં આવ્યા હતા. આ બંને આરોપીઓના બેન્ક
એકાઉન્ટમાં આ રૃપિયા જમા થયા હતા. તેઓ છેલ્લા દોઢ મહિનાથી સાયબર ગઠિયાઓના
સંપર્કમાં આવ્યા હતા અને તેમના એકાઉન્ટમાં ગેમિંગ અને જીએસટીના રૃપિયા આવશે તેમ
કહી બે ટકા લેખે બેંકમાં રૃપિયા જમા કરી ઉપાડીને આંગડિયા મારફતે મોકલી આપવાનું
નક્કી થયું હતું અત્યાર સુધીમાં ૩૦ કરોડથી વધુ રકમ આંગડિયા મારફતે ટ્રાન્સફર કરી
હોવાનું બહાર આવ્યું છે.