Get The App

રાજસ્થાનની સગીરાને રાયસણમાં ગોંધી રાખનાર બેને ઝડપી લેવાયા

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
રાજસ્થાનની સગીરાને રાયસણમાં ગોંધી રાખનાર બેને ઝડપી લેવાયા 1 - image


અપહરણ કરીને ત્રણ શખ્સો ગુજરાતમાં આવ્યા હતા

ગાંધીનગર એલસીબીની ટીમે સગીરાને મુક્ત કરી અન્ય એક આરોપીની શોધખોળ શરૃ કરવામાં આવી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં ગુનાઓ ઉકેલવા પોલીસ દોડી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી દ્વારા રાજસ્થાનમાંથી અપહરણ કરીને રાયસણમાં ગોંધી રખાયેલી સગીરાને મુક્ત કરાવી છે અને બે આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે અન્ય એકની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા ગુનાના ફરાર આરોપીઓને પકડવા માટે હાલ ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે ત્યારે પોલીસ અન્ય જિલ્લા અને રાજ્યોના ગંભીર ગુનાના આરોપીઓને પણ પકડી રહી છે ત્યારે રાજસ્થાનના ડુંગરપુરમાંથી સગીરાનું અપહરણ કરીને ગાંધીનગરના રાયસણમાં છુપાયેલા બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ અંગ મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, રાજસ્થાનનાં ડુંગરપુરથી ત્રણ આરોપીઓએ સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કર્યું છે. જે અંગે ડુંગરપુર જીલ્લાના કુંઆ પોલીસ મથકમાં પપ્પુ અર્જુન ગરાસીયા, અંકીત અર્જુન ગરાસીયા તેમજ છગન ભુરા અહારી વિરુદ્ધ ગુનો પણ દાખલ થયેલો છે. આ આરોપીઓ ગાંધીનગર આસપાસ રોકાયા છે. જેનાં પગલે એલસીબીએ સગીરા તેમજ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા રાયસણ વિસ્તારની નવીન કન્સ્ટ્રક્શન સાઈટ પર ચેકીંગ હાથ ધર્યું હતું. મજૂરોને રહેવાની ઓરડીમાં સગીરાને આરોપીઓએ ગોંધી રાખી હોવાનું ધ્યાને આવતાં એલસીબીએ પપ્પુ અર્જુન ગરાસીયા અને છગન ભુરા અહારીને ઝડપી પાડયા હતા અને સગીરાનો પણ છુટકારો કરાવ્યો હતો. બાદમાં આરોપીઓને સેકટર - ૨૧ પોલીસ મથકે લઈ જઈ રાજસ્થાન પોલીસને પણ જાણ કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય એક આરોપીને શોધખોળ શરૃ કરવામાં આવી હતી.


Google NewsGoogle News