લૂંટના ઇરાદે લીલા હોટલના કર્મચારીની હત્યા કરનાર બે આરોપીને આજીવન કેદ
ત્રણ વર્ષ અગાઉ ગાંધીનગરના સેક્ટર-૨૭ પાસે
એક આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી દેવાયો ગાંધીનગર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ચુકાદો
ગાંધીનગર શહેરના
સેક્ટર ૨૭માં પેન ગેસ્ટ તરીકે મૂળ વડોદરાના વાસણા ભટાલીનો યુવાન દેવાંશ રોમી ભાટીયા
રહેતો હતો અને તે ગાંધીનગરના લીલા હોટલમાં કામ કરતો હતો. ગત ૮ઓક્ટોબર ૨૦૨૧ના મોડી
સાંજે દેવાંશ તેનું બાઈક લઈને સેક્ટર ૨૭ બગીચા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારબાદ
તેનો મૃતદેહ ગળાના ભાગે તીક્ષણ હથિયારના ઘા ઝીંકેલી હાલતમાં મળી આવ્યો હતો. જે
સંદર્ભે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી હતી અને આ
ગુનામાં ગાંધીનગર એલસીબી દ્વારા તપાસ કરીને માનવ ઉર્ફે મુન ઉમેશભાઈ પવાર રહે,૪૦૮ પ્રીત
એપાર્ટમેન્ટ વાવોલ, ઘનશ્યામ
ઉર્ફે કાલુ નારણભાઈ કાનાણી રહે,
૪૦૬/૧ સેક્ટર ૧૩-એ અને આશિષ ઉર્ફે આશીયો મહેશભાઈ સોલંકી તેમજ કાયદાના
સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી લેવામાં આવ્યા હતા.
જેમણે લૂંટ કરવાના ઇરાદે દેવાંશને સરનામું પૂછવાના બહાને ઉભો રાખ્યો હતો અને ત્યારબાદ તેની પાસેથી જે હોય તે આપી દેવા કહ્યું હતું. જોકે દેવાંશે બૂમાબૂમ કરતા માનવ અને ઘનશ્યામ દ્વારા છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. જે કેસ ગાંધીનગરના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી એચ.આઈ ભટ્ટની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકી જીગ્નેશ જોષી દ્વારા તમામ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા અને ગુનાના મહત્વના સાક્ષીઓની જુબાની લીધી હતી. આરોપીઓને કાયદામાં દર્શાવેલી પૂરેપૂરી સજા કરવા માંગણી કરવામાં આવી હતી. જેના પગલે કોર્ટ દ્વારા આ ગુનાના આરોપી માનવ પૂર્વે મુન પવાર તેમજ ઘનશ્યામ ઉર્ફે કાલુ કાનાણીને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને ૨૫ હજાર રૃપિયાનો દંડ કરવામાં આવ્યો હતો તેમજ મરણ જનારના માતા પિતાને વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો હતો. જ્યારે આશિષ ઉર્ફે આશીયો સોલંકીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો હતો.