ગીલોલથી ગાડીઓના કાચ તોડી ચોરી કરતી છારા ગેંગના બે આરોપી ઝડપાયા
- આણંદ- બોરસદ રોડ જીટોડિયા પાર્ટી પ્લોટ પાસેથી
- આંતર જિલ્લામાં તારાપુર, હિંમતનગર, ચિલોડા અને ગાંધીનગરના મુખ્ય માર્ગો પર ચોરી કર્યાનું કબૂલ્યું
આણંદ : ડીસમીસ કે છરાવાળી ગીલોલથી ગાડીઓના કાચ તોડી આંતર જિલ્લામાં ચોરીના ગુનાઓને અંજામ આપતી કુખ્યાત છારા ગેંગના બે આરોપીઓને રૂા. ૫૧ હજારના મુદ્દામાલ સાથે આણંદ એલસીબીએ ઝડપી પાડયા હતા.
આણંદ- બોરસદ રોડ જીટોડિયા બંધન પાર્ટી પ્લોટ પાસેથી બે શખ્સોને બાઈક સાથે આણંદ એલસીબીની ટીમે ઝડપી પાડયા હતા. પૂછપરછ દરમિયાન બંનેએ બીજા સાથીદારો સાથે મળી વાહનોના કાચ તોડી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ઝડપાયેલા જયતીભાઈ નારણભાઈ દીદાવાલા (રહે. મહાજનીયાવાસ, એસટી વર્કશોપ સામે, નરોડા, અમદાવાદ) અને ધનપાલ જયંતીભાઈ ઈંદ્રેકર (રહે. કુબેરનગર, છારાનગર, અમદાવાદ) પાસેથી બાઈક, મોબાઈલ સહિત રૂા. ૫૧ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા શખ્સોએ તારાપુર, હિંમતનગર, ચિલોડા અને ગાંધીનગરના મુખ્ય માર્ગો પર ગાડીઓના કાચ તોડી ચોરી કર્યાના સાત જેટલા ગુનાઓની કબૂલાત કરી હતી. ઉપરાંત બંને શખ્સો બેથી ત્રણ ગુનાઓમાં નાસતા ફરતા હોવાનું પણ જાણવા મળ્યું છે.