મધ્યપ્રદેશથી કારમાં દારૃ લઇને આવેલા બે આરોપી ઝડપાયા
કારની આગળ તથા પાછળની લાઇટની અંદર સંતાડેલી દારૃની ૮૬૦ બોટલ કબજે
વડોદરા,મધ્યપ્રદેશથી કારમાં વિદેશી દારૃ લઇને આવેલા બે આરોપીઓેને પીસીબી પોલીસે ઝડપી પાડી દારૃની ૮૬૦ બોટલ કિંમત રૃપિયા ૧.૪૬ લાખની કબજે કરી હતી. પોલીસે રોકડા રૃપિયા, મોબાઇલ ફોન અને કાર મળીને કુલ રૃપિયા ૪.૬૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
શહેર નજીકના ઓમકારપુરા ગામ ભાથુજીવાળા ફળિયામાં રહેતો સુનિલ ઉર્ફે કાલુ પ્રવિણભાઇ પરમાર તેના સાગરીત સાથે દારૃ ભરેલી કાર લઇને આજવા રોડ સિદ્ધેશ્વર હોલમાર્કની સામે વૃંદાવન સોસાયટીની ગલીમાં બેઠો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. પીસીબી પી.આઇ. સી.બી. ટંડેલની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને કાર ચાલક જયદેવપુરી ઉર્ફે હુપો ધર્મેન્દ્રગીરી ગોસ્વામી (રહે.રત્નદીપ ગ્રીન ફ્લેટ, ડભોઇ રીંગરોડ, સોમા તળાવ પાસે) તથા સુનિલ ઉર્ફે કાલુ પ્રવિણભાઇ પરમાર (રહે. ઓમકારપુરા ગામ) ને ઝડપી પાડયા હતા. પોલીસે કારની હેટ લાઇટ અને બેક લાઇટમાં સંતાડેેલો દારૃ કબજે કર્યો હતો.આરોપીઓએ જણાવ્યું હતું કે, દારૃનો જથ્થો મધ્યપ્રદેશના એક ઠેકા પરથી લાવ્યા હતા અને ખોડિયાર નગર પાસે રહેતા નિરવ સોલંકીને આપવાનો હતો.