વડોદરાની કપૂરાઇ ચોકડી પર એક પછી એક બે એક્સિડન્ટઃડમ્પર પલટી જતાં જામ થવાથી ટ્રિપલ એક્સિડન્ટ
વડોદરાઃ વડોદરાની કપૂરાઇ ચોકડી પાસે ગઇરાતે એક પછી એક બે એક્સિડન્ટના બનાવ થતાં બે કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો.ફાયર બ્રિગેડે બંને બનાવમાં ફસાયેલા બે ડ્રાઇવરનું રેસ્ક્યૂ કર્યું હતું.
કપૂરાઇ-તરસાલી ચોકડી વચ્ચે ગઇ રાતે એક ડમ્પર ધડાકાભેર પલટી જતાં નજીકના વાહનોનો બચાવ થયો હતો.ડમ્પર પલટી જવાને કારણે ટ્રાફિક જામ થયો હતો.ડ્રાઇવર ફસાયો હોવાથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
ફાયર બ્રિગેડને પણ સ્થળ પર પહોંચતા મુશ્કેલી પડી હતી અને થોડીવારમાં ફસાયેલા ડ્રાઇવરનું રેસ્ક્યૂ કરી સારવાર માટે મોકલવામાં આવ્યો હતો.ફાયર બ્રિગેડ પરત ફરી ત્યાં જામ થયેલા ટ્રાફિક છૂટો થાય ત્યાં કપૂરાઇ બ્રિજ પાસે બીજી એક ટ્રકના ડ્રાઇવરનો અકસ્માત થયો હતો.
ટ્રકના ડ્રાઇવરે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગૂમાવતાં ટ્રક એસટી બસ સાથે ભટકાઇ હતી અને ત્યારબાદ બસ ટેમ્પા સાથે અથડાઇ હતી.જેથી ટ્રકના ડ્રાઇવરનો પગ ફસાઇ જતાં ફરી ટ્રાફિક જામ થયો હતો.જીઆઇડીસી ફાયર બ્રિગેડની ટીમ ફરીથી આવી હતી અને ડ્રાઇવરનું રેસ્ક્યૂ કર્યું હતું.