છેતરપિંડી અને દારૂના ગુનામાં ફરાર બે આરોપી ઝડપાયા
- છેલ્લા બે અને 6 વર્ષથી નાસતા ફરતા હતા
- થરાદ પોલીસ મથકના ઠગાઈનો આરોપી લીંબડીથી અને મુળીમાં દારૂના ગુનાનો શખ્સ માંડવી તાલુકામાં પકડાયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર ૫ેરોલ ફર્લો સ્કવોડની ટીમે અલગ-અલગ પોલીસ મથકના ગુન્હામાં નાસતા ફરતા બે આરોપીઓને અલગ-અલગ જગ્યાએથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે અને બન્નેને જે તે પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે.
પેરોલ ફર્લો સ્કવોડની ટીમે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ એક્શન પ્લાન બનાવી જીલ્લામાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન લીંબડી તાલુકામાં પેટ્રોલીંગ દરમ્યાન હ્યુમન સોર્સ અને ટેકનીકલ સોર્સની મદદથી થરાદ પોલીસ મથકના છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી યાસીન ઉર્ફે ભાણો રાજુભાઈ મકવાણા રહે.લીંબડીવાળાને આઝાદ ચોક લીંબડી ખાતેથી ઝડપી પાડી થરાદ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.
જ્યારે બીજા બનાવમાં ટીમે બાતમીના આધારે હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી મુળી પોલીસ મથકના પ્રોહિબીશનના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપી પ્રહલાદસિંહ ઉર્ફે પદયુભા જાડેજા રહે.ફરાદી તા.માંડવીવાળાને માંડવી-મુંદ્રા રોડ પર આવેલ નાની ઠાકર ગામેથી ઝડપી પાડયો હતો અને મુળી પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.