86 વર્ષ પહેલાની એ હૃદયદ્રાવક ઘટના, જેના કારણે આજે પણ મૂળ સુરતીઓ વાસી બળેવ ઊજવે છે
Image Envato |
Raksha Bandhan: ભારત દેશ તહેવારોનો દેશ છે, પરંતુ તેમાં પણ સુરતીઓ અને તહેવારની ઉજવણી બંને એકબીજાના પર્યાય બની ગયાં છે. કોઈ પણ તહેવાર હોય સુરતીઓ મૂળ પરંપરા મુજબ જ ઉજવે છે. સુરતમાં સમયની સાથે સાથે અનેક તહેવારની ઉજવણીનો ટ્રેન્ડ બદલાયો છે પરંતુ 86 વર્ષ પહેલા બળેવના દિવસે બનેલી દુર્ઘટનાના કારણે વાસી બળેવ ઊજવવાના ટ્રેન્ડમાં કોઈ બદલાવ આવ્યો નથી. આજે પણ મૂળ સુરતીઓ ગણાતી જ્ઞાતિના લોકો વાસી બળેવની જ ઉજવણી કરવાનું પસંદ કરે છે.
12 ઓગષ્ટ 1938ના રોજ રક્ષાબંધનના દિવસે એક હોડી દુર્ઘટના બની હતી
સુરતમાં આજથી બરાબર 86 વર્ષે પહેલા એટલે કે 12 ઓગષ્ટ 1938ના રોજ રક્ષાબંધનના દિવસે એક હોડી પલટી ગઈ હતી. એ દુર્ઘટનામાં અનેક લોકો તાપી નદીમાં ડૂબીને મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનામાં મોટા ભાગના મૃતકો સુરતના કોટ વિસ્તારના મૂળ સુરતી ગણાતી જ્ઞાતિના લોકો જ હતા. તેથી મૂળ સુરતીઓ આજે પણ રક્ષાબંધન કે બળેવ નહીં પણ વાસી બળેવની ઉજવણી કરે છે.
એ ઘટના મૂળ સુરતીઓ વર્ષો સુધી ભૂલી ના શક્યા. બાદમાં સમયાંતરે પેઢી દર પેઢી વાસી બળેવની જ ઉજવણી કરવી એવી જાણે પરંપરા બની ગઈ. આમ, આજે પણ બળેવ નહીં ઉજવીને મૂળ સુરતીઓ એ મૃતકોને જાણે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
આજે તો સુરતની વસ્તી વધીને 80 લાખનો આંકડો પાર કરી ગઈ છે. સુરત મિની ભારત બની ગયું છે. તેથી મૂળ સુરતી ગણાતા ક્ષત્રિય, રાણા અને મૌઢ વણિકની વસ્તી ઘટી રહી છે. હવે તો તેઓ સુરતમાં લઘુમતીમાં છે. આમ છતાં, વર્ષો જૂની વાસી બળેવની ઉજવણીની તેમની પરંપરા આજે પણ યથાવત્ છે.