'ભુવા નગરી' વડોદરાના નિઝામપુરા સંતોક ચેમ્બર્સ પાસે ભૂવામાં ટ્રક ફસાઈ
Vadodara : વડોદરા શહેરના નિઝામપુરા સરદાર નગર સંતોક ચેમ્બર્સ પાસે આજે એક ટ્રક ભુવામાં ફસાઈ પડી હતી. વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન 125 થી વધુ ભુવા પડ્યા હતા. તેના સમારકામ પાછળ કોર્પોરેશનને અંદાજે પાંચ કરોડનો ખર્ચ કરવાનો વારો આવ્યો હતો. ચોમાસુ ગયું તેમ છતાં પણ હજી ભુવા પડવના ચાલુ છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા પાણી ડ્રેનેજ ગેસ લાઇન કે પછી ખાનગી કંપનીઓ દ્વારા નાખવામાં આવતા કેબલની કામગીરી બાદ યોગ્ય રીતે માટી પુરાણ થતું નહીં હોવાને કારણે અનેક જગ્યાએ ભુવા પડ્યા છે. તો કેટલીક જગ્યાએ પાણી ડ્રેનેજની લાઈનો જૂની થઈ જતા કેટલીક જગ્યાએ મોટા ભુવા પડ્યા હતા.
આજે નિઝામપુરા સરદાર નગર નજીક આવેલા સંતોક ચેમ્બર્સ પાસેથી એક ટ્રક પસાર થતી હતી ત્યારે અચાનક ટ્રકનું પાછળનું પૈડું ભારે વજનને કારણે ભુવામાં પડતા ફસાઈ ગયું હતું. વિપક્ષના પૂર્વ નેતાના કહેવા મુજબ રોડ રસ્તાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા જે બેદરકારી દાખવવામાં આવે છે ,તેના પરિણામે આ ભુવા પડતા રહ્યા છે. શહેરમાં 40 વર્ષ જૂની પાણી અને વરસાદી ગટરની લાઈનો બદલવાની જરૂર છે. આ લાઈનો જર્જરીત થવાના કારણે ઉપર થી માટીનું દબાણ આવતા લાઈન બેસી જાય છે, અને ભુવા પડે છે. શહેરમાં કોઈ વીઆઈપી આવવાના હોય ત્યારે તાબડતોબ પાકા રોડ કારપેટીંગ કરવામાં આવે છે, પરંતુ જ્યાં ખોદકામ બાદ રીપેરીંગ પૂર્ણ થયા પછી પુરાણ બરાબર કરવામાં આવતું નહીં હોવાના કારણે ભુવા પડતા હોવાની સ્થિતિ સર્જાય છે.