રાજકોટમાં ટ્રક ચાલકનું અપહરણ કરી લૂંટ, આરોપીની ધરપકડ
- ગળે છરી રાખી 'ચૂપચાપ પૈસા કાઢ નહીતર છરી મારી દઈશ' એવી ધમકી
- ગાંધીધામથી બાબરા કપાસ ભરવા જતી વખતે ગ્રીન લેન્ડ ચોકડી નજીકની ઘટનાઃ 'કારમાં નુકસાન કર્યું છે, પૈસા આપ' કહી રૂા. ૧૬ હજારની લૂંટ
રાજકોટ : ગાંધીધામ ટ્રાન્સપોર્ટમાંથી બાબરા જીનીંગ મીલમાં માલ ભરવા જતા ટ્રક ચાલક સતેન્દ્ર જીતલ પાલ (ઉ.વ.૨૮, રહે, બિહાર)ને છરી બતાવી નંબર પ્લેટ વગરની વર્ના કારમાં અપહરણ કરી અલગ અલગ સ્થળોએ ફેરવી મારકુટ કરી રૂા ૧૬ હજારની લૂંટ કરનાર આરોપી ઈમરાન ઉર્ફે ઈમલો હાસમભાઈ કાદરી (ઉ.વ.૨૪, રહે, હુડકો ચોકડી પાસે, પાણીના ટાંકા નજીક આવાસ કવાર્ટર)ને બી.ડીવીઝન પોલીસે પકડી પુછપરછ શરૂ કરી છે.
બી.ડીવીઝન પોલીસે આ મામલે ટ્રક ચાલક મુળ બિહારના સતેન્દ્ર પાલ (ઉ.વ.૨૮)ની ફરીયાદ પરથી કાળા કલરની નંબર પ્લેટ વગરની વર્ના કારના ચાલકની સામે ગુનો દાખલક ર્યો હતો. પોલીસે જણાવ્યું કે, સતેન્દ્ર અરીહંત શીપીંગ એજન્સી નામના ટ્રાન્સપોર્ટમાં દસેક વર્ષથી ટ્રક ડ્રાઈવીંગ કરે છે.
જે ટ્રાન્સપોર્ટની મેઈન ઓફિસ ગાંધીધામ છે. ગઈકાલે ટ્રાન્સપોર્ટના માલીકે તેને ગાંધીધામથી બાબરામાં સ્થિત રાધેશ્યામ કોટન નામના જીનીંગ મીલમાં કપાસ ભરવા માટે મોકલતા તે ટ્રક લઈને રાત્રે બાબરા જવા નિકળ્યો હતો. ગઈકાલે રાત્રે તે રાજકોટ પહોંચી બેડી સર્કલથી બાયપાસ રસ્તે પુલ પરથી જઈ રહ્યો હતો ત્યારે પુલ ઉતરતા એક કાળા કલરની નંબર પ્લેટ વગરની વર્ના કારે તેને ઓવરટેઈક કરી કાર ટ્રકની આગળ ઉભી રાખી દીધી હતી. જેથી સતેન્દ્રએ ટ્રક રોકતા કાર ચાલક આરોપીએ ટ્રકની કેબીનમાં ચડી તે મારી કારમાં નુકશાન કર્યું છે. તું મને પૈસા આપ. કહેતા તેણે આરોપીને મે કાંઈ નુકશાન કર્યું નથી. કહી પૈસા આપવાની ના પાડી હતી. જેના કારણે આરોપીએ તેના નેફામાંથી છરી કાઢી ગળા પર રાખી સતેન્દ્રને ચુપચાપ પૈસા કાઢ નહીતર છરી મારી દઈશ કહી ફોન છીનવી ખીસ્સા ફંફોસવા લાગ્યો હતો. પરંતુ પૈસા ના નિકળતા ંતેણે સતેન્દ્રના ફોનનો ગુગલપે ખોલી પાસવર્ડમાંગ્યો હતો. તેને પાસવર્ડ આપતા ખાતામાં ૧૬,૨૦૦ રૂપીયા હોય તે આપી દેવાનું કહ્યું હતું. સતેન્દ્રએ ડરના કારણે હા પાડતા આરોપીએ ટ્રક સાઈડમાં રખવી લોક મરાવી ટ્રકની ચાવી અને ફોન લઈ કારમાં અપહરણ કરી મારકુટ કરી હતી. કારમાં ત્રીસેક મીનીટ ફેરવ્યા બાદ ગ્રીનલેન્ડ ચોકડીથી શાપર જતા રોડ પર નાલા નીચેથી થોડેદુર કાર ઉભી રાખી આરોપી ફોન અને ટ્રકની ચાવી લઈ એક દુકાને ગયો હતો. જાયાં દુકાને કયુઆરકોડ સ્કેન કરી દુકાનદાર પાસેથી પૈસા લઈ પરત આપ્યા બાદ ફરીથી રાજકોટની અલગ અલગ જગ્યાએ સતેન્દ્રને ફેરવ્યો હતો. તેણે આરોપીને ટ્રકવાળી જગ્યાએ મુકી જવાનું કહેતા તેને ઉંધી છરી ખભેમારી ગાલ પર તમાચા માર્યા હતાં. બાદમાં તેણે આરોપી પાસે વધુ રીકવેસ્ટ કરતા તે સતેન્દ્રને ટ્રક પાસે લઈ ગયો હતો. જયાં પહોંચી આરોપીએ તેને જો આ બાબતે કોઈને વાત કરીશતો છરી ભોકી દઈશે. કહી કારમાં ફરી માર મારી તેનો ફોન અને ટ્રકની ચાવી પરત આપી . ત્યાંથી ભાગી ગયો હતો. સતેન્દ્ર ફોન લઈ તેના શેઠને ફોન કરવા જતાં રૂા ૧૬ હજાર ડેબીટ થયાનો મેસેજ પડેલ હોય આરોપીએ પૈસા ટ્રાન્સફર કર્યાની જાણ થતાં ફરીયાદ નોંધાવી હતી.
બીજી તરફ પી.આઈ. એસ.એસ. રાણે સહિતના સ્ટાફે ગુનો દાખલ કરી અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરાઈ હતી. એક ટીમ દ્વારા સી.સી.ટી.વી. ફુટેજના આધારે આરોપી કઈ દિશામાં ગયો તે દિશામાં શોધખોળ હાથ ધરાઈ હતી. જયારે બીજી ટીમે આવી એમ.ઓ. ધરાવતા આરોપીઓની તપાસ શરૂ કરી હતી.
તો ત્રીજી ટીમ દ્વારા ઘટના સ્થળના ટાવરના ડમ્પ મેળવી એનાલીસીસ કરી શંકાસ્પદ ફોન નંબર ધારકો બાબતે તપાસ શરૂ કરી હતી. દરમીયાન બાતમીના આધારે આરોપી ઈમરાન ઉર્ફે ઈમલા કાદરીને પકડી પુછપરછ શરૂ કરી છે. પોલીસે જણવ્યું હતું કે, આરોપી અગાઉ આજીડેમ અને એ.ડીવીઝનમાં ચોરી, લુંટ અને એસીસબ્રીજ પોલીસ મથકમાં લૂંટના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.