Get The App

જામનગર-ખંભાળિયા હાઇવે રોડ પર બે ખાનગી બસ અને બોલેરો કાર વચ્ચે ત્રિપલ અકસ્માત: ત્રણને ઇજા

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
જામનગર-ખંભાળિયા હાઇવે રોડ પર બે ખાનગી બસ અને બોલેરો કાર વચ્ચે ત્રિપલ અકસ્માત: ત્રણને ઇજા 1 - image


Triple Accident in Jamnagar : ખંભાળિયા ધોરી માર્ગ પર આજે વહેલી સવારે સરમત ગામના પાટીયા પાસે બે ખાનગી લક્ઝરી બસ તેમજ બોલેરો કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બોલેરો કારની અંદર બેઠેલી ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઇજા થઈ હતી, અને તેઓને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી જવા દેવાયા હતા.

જામનગર થી મોટી ખાવડી તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ કે જેના ચાલકે એકાએક બ્રેક મારતાં તેની પાછળ આવી રહેલી બોલેરો કાર ધડાકાભેર બસની સાથે ટકરાઈ ગઈ હતી. ત્યારબાદ પાછળ આવી રહેલી બીજી ખાનગી લક્ઝરી બસ ધડાકાભેર બોલેરો સાથે ટકરાતાં બોલેરોનો ભુક્કો વળી ગયો.

આ અકસ્માતને લઈને ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે લક્ઝરી બસમાં બેઠેલા કોઈ મુસાફરોને ઈજા થઈ ન હતી, અને તમામ મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા. જે લોકો બીજા વાહનો મારફતે પોતાના કામ ધંધા તરફ રવાના થયા હતા.

આ અકસ્માતના બનાવની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બનાવના સ્થળે દોડી ગયો હતો, અને આશરે ૪૫ મિનિટની જહેમત લઈને ટ્રાફિક જામને હળવો કરીને વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો.

વહેલી સવારે મોટી ખાવડી સહિતની જુદી જુદી ખાનગી કંપનીઓમાં અથવા તો અન્ય ધંધા ના સ્થળે જઈ રહેલા લોકો ફસાયા હતા, અને થોડો સમય માટે દેકરો બોલી ગયો હતો. પરંતુ મોડેથી ધીમે ધીમે ટ્રાફિકને પૂર્વવત બનાવી દીધો હતો. જો કે આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઇ નથી.


Google NewsGoogle News