Get The App

વીજકર્મી 1000 કિલોનું ટ્રાન્સફોર્મર રસ્તા વચ્ચે મૂકીને જતા રહ્યા, આદિવાસીઓએ 3 KM ખભે ઊંચક્યું

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
વીજકર્મી 1000 કિલોનું ટ્રાન્સફોર્મર રસ્તા વચ્ચે મૂકીને જતા રહ્યા, આદિવાસીઓએ 3 KM ખભે ઊંચક્યું 1 - image

MGVCL NEWS : છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામમાં 15 દિવસથી મધ્ય ગુજરાત વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર બગડી ગયું હોવાથી ગામના ત્રણથી વધુ ફળિયામાં 150 મકાનો અંધારામાં રહેતા હતા. 15 દિવસ પછી  મધ્ય ગુજરાત વીજ કંપનીએ ટ્રાન્સફોર્મર તો નવુ મંગાવ્યું હતું પણ વીજ કંપનીના કર્મચારીઓ ગામના છેવાડે ટ્રાન્સફોર્મર મૂકીને જતા રહ્યા હતા. ગામના લોકો લાકડાના ટેકે 3 કિલોમીટર સુધી ટ્રાન્સફોર્મર ઉંચકીને લઈ ગયા હતા.

હાફેશ્વર ગામ નર્મદા નદીના કિનારે વસેલું છે અને તેમાં 13 અલગ અલગ ફળિયા આવેલા છે. ઉત્તલધરા ફળિયામાં પંદર દિવસ પહેલા વીજ લાઈનમાં સર્જાયેલા ફોલ્ટના કારણે ટ્રાન્સફોર્મર બળી ગયું હતું અને તેના કારણે 150 જેટલા મકાનોનો વીજ સપ્લાય ખોરવાઈ ગયો હતો. વારંવાર વીજ કંપનીને કરેલી રજૂઆત બાદ નવુ ટ્રાન્સફોર્મર ફાળવવામાં આવ્યું હતું, પણ આ ટ્રાન્સફોર્મરને ગામમાં નિયત જગ્યાએ પહોંચાડવાની જગ્યાએ છેવાડે મૂકીને કર્મચારીઓ રવાના થઈ ગયા હતા.

ગરીબ આદિવાસી લોકોએ અંધારામાંથી મુક્તિ મેળવવા માટે લાકડાના ટેકે 1000 કિલો વજનના ટ્રાન્સફોર્મરને જૂના ટ્રાન્સફોર્મરની જગ્યાએ ફિટ કરવા માટે લઈ ગયા હતા. આ વિસ્તારમાં કાચો રસ્તો છે. જેના પર પગપાળા ચાલવું પણ મુશ્કેલ હોય છે. ત્યારે સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલી વેઠીને પણ ટ્રાન્સફોર્મરને ઉંચકીને પગપાળા એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડયું હતુ. મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓના ઉપેક્ષિત વલણના કારણે વીજળી મેળવવા માટે આદિવાસીઓને જાતે ટ્રાન્સફોર્મર ઉંચકવાની મજૂરી કરવી પડી હતી.




Google NewsGoogle News