આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા અન્યાયનો વિરોધ :પાટનગરમાં હલ્લાબોલ મચાવ્યો
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ બંધ કરી દેવાતાં
બીરસા મુંડા ભવન પર પ્લે કાર્ડ સાથે ઉમટી પડેલા વિદ્યાર્થીઓ સુત્રોચ્ચાર સાથે આંદોલનના મુડમાં : પોલીસ દોડતી થઇ ગઇ
ગાંધીનગર : ઉચ્ચ અભ્યાસ કરવા માટે ચૂકવવામાં આવતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ બંધ કરી દેવાનાં સરકારના નિર્ણય સામે આદિવાસી વિદ્યાર્થીઓમાં રોષ ભભુકી ઉઠયો છે. શુક્રવારે પણ પાટનગરમાં ઉમટી પડેલા વિદ્યાર્થીઓ દ્વારા બીરસા મુંડા ભવન પર પ્લે કાર્ડ દર્શાવવા સાથે આ નિર્ણયને અન્યાયકારી ગણાવીને ભારે સુત્રોચ્ચાર કરવા સાથે હલ્લાબોલ મચાવી દેવાની સાથે ઉગ્ર લડતના એંધાણ આપ્યાના પગલે પોલીસ દોડતી થઇ હતી.
સરકારના નિર્ણય સામે આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા કરાઇ રહેલા
વિરોધ પ્રદર્શનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ પણ જોડાઇ હતી. જ્યાં પોસ્ટ મેટ્રિક
શિષ્યવૃતિ બંધ કરવાનું જણાવતા સરકારી પરિપત્રને રદ કરીને શિષ્યવૃતિ ફરીથી શરૃ કરવામાં
આવે તેવી માંગણી કરવાની સાથે તેમ નહીં કરવામાં આવે તો આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે, તેવી સ્પષ્ટ ચિમકી
આપવાની સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યુ હતું. વિદ્યાર્થીઓ દ્વારા
જણાવવામાં આવ્યું, કે એક પરિપત્રના
કારણે સમાજના ૬૦ હજાર વિદ્યાર્થીઓ પ્રભાવિત થયાં છે અને ઉચ્ચ અભ્યાસ કરવાની વાતે તેમનું
ભવિસ્ય ધુંધળુ બની ચૂક્યુ છે. સંખ્યાબંધ વિદ્યાર્થીઓ શિષ્યવૃતિના આધારે રહીને મેનેજમેન્ટ
ક્વોટામાં પ્રવેશ મેળવી ચૂક્યા છે. ત્યારે બીરસા મુંડા ભવનથી એવો પરિપત્ર બહાર પાડવામાં
આવ્યો છે, કે આ વિદ્યાર્થીઓનું
એડમિશન મેનેજમેન્ટ ક્વોટામાં ગણાશે અને તેમની ફી વિદ્યાર્થીએ ભરવાની રહેશે. સરકારના
મંત્રીઓ સુધી રજૂઆત બાદ પણ પરિપત્ર કાયમ રાખવામાં આવ્યાના પગલે શુક્રવારે આદિવાસી સમાજના
વિદ્યાર્થીઓ પાટનગરમાં બીરસા મુંડા ભવન પર ઉમટી પડતાં જિલ્લા પોલીસ પણ હરકતમાં આવી
ગઇ હતી.