ભરૂચમાં રોષે ભરાયેલા આદિવાસી સમાજની તીર-કામઠા સાથે રેલી, સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરતાં રોષ
Adivasi Rally in Bharuch: ભરૂચ જિલ્લામાં આદિવાસી સમાજને લઇ એક યુવકે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતાં ભારે રોષ ભભૂક્યો છે. જેના વિરોધમાં આજે 21 ફેબ્રુઆરીએ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ હાથમાં તીર કામઠા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારબાદ રેલી યોજીને કલેક્ટર કચેરીએ ભેગા થયા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. રજૂઆત દરમિયાન આદિવાસી નેતા મહેશ વસાવાએ કડક ચેતવણી આપતાં કહ્યું છે કે આદિવાસી સમાજ ટાઇગર છે, જે જંગલમાંથી ક્યારે છલાંગ લગાવશે ખબર પણ નહી પડે. આ સમગ્ર મામલે જલદીથી જલદી તપાસ કરવામાં આવે.
શું હતી સમગ્ર ઘટના?
વાત જાણે એમ છે કે તાજેતરમાં ઝઘડીયાના ખરચી ગામેથી આદિવાસી સમાજ યુવાન હેલિકોપ્ટરમાં જાન લઇને પરણવા ગયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને લઇને લાલભાઇ નામના યુવકે આદિવાસી સમાજની માતા અને બહેનો વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરતાં આદિવાસી સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
અભદ્ર ટિપ્પણીને લઇને આદિવાસી સમાજમાં પડઘા પડ્યા છે. સમાજના આગેવાનો અને આદિવાસી નેતાઓ સહિતના લોકોએ તીર કામઠા સાથે રસ્તા પર ઉતરી આવી સૂત્રોચાર સાથે રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર અને એ.પીને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું. આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આદિવાસી સમાજનો યુવાન હેલિકોપ્ટરમાં જાન લઇને જાય તે ગૌરવની વાત છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આ મામલે જલદીથી જલદી તપાસ કરાવવની માંગ કરવામાં આવી છે.