સુરતમાં ગણેશ વિસર્જનનો ટ્રેન્ડ બદલાયો, ભાગળ ચાર રસ્તા પર મધ્યરાત્રીએ 3 વાગ્યે જ નિકળી વિસર્જન યાત્રા

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
સુરતમાં ગણેશ વિસર્જનનો ટ્રેન્ડ બદલાયો, ભાગળ ચાર રસ્તા પર મધ્યરાત્રીએ 3 વાગ્યે જ નિકળી વિસર્જન યાત્રા 1 - image


Surat Ganesh Visarjan : સુરતમાં ગત વર્ષે પણ આનંદ ચૌદશના બીજા દિવસ સુધી વિસર્જન યાત્રા ચાલી હતી જેના કારણે અનેક ગણેશ ભક્તોની લાગણી દુભાઈ હતી. શહેરના કોટ વિસ્તારમાં મહાકાય ગણેશજીની પ્રતિમાની સ્થાપના થાય છે તેથી વિસર્જન યાત્રા દરમિયાન અનેક મુશ્કેલી પડે છે. ગત વર્ષની ઘટનાનો પાઠ ભણીને આજે કોટ વિસ્તારના કેટલાક ગણેશ આયોજકોએ મધ્યરાત્રીથી જ ગણેશજીની વિસર્જન યાત્રા શરૂ કરી દીધી હતી. રાત્રીના 3 વાગ્યે તો ભાગળ ચાર રસ્તા પર દિવસ જેવો માહોલ સાથે ગણેશજીની શોભાયાત્રા નિકળી હતી અને ભાગળ વિસ્તાર ઢોલ નગારા અને ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યો હતો. 

મોજીલા સુરતીઓ અન્ય તહેવારની જેમ ગણેશ ઉત્સવ પણ ભારે આનંદ અને ઉત્સાહથી ઉજવે છે. સુરતમાં ભુતકાળમાં ગણેશ વિસર્જન યાત્રા નીકળી ત્યારે કલાકો સુધી શહેરના રસ્તા પર ફરતી જોવા મળતી હતી. સુરતમાં તાપી નદીમાં વિસર્જન થતું હતું ત્યારે શહેરના રસ્તા પર ગણેશ વિસર્જન યાત્રા જોવા માટે કીડીયારું ઉભરાતું હોય તેવી રીતે ભક્તો ગણેશ વિસર્જન યાત્રામાં જોડાતા હતા. હવે કૃત્રિમ તળાવમાં વિસર્જનના કારણે આ ટ્રેન્ડ થોડા બદલાયો હતો અને વહેલી વિસર્જન યાત્રા નિકળતી હતી. પરંતુ ગત વર્ષે મોટી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન બીજા દિવસે થયું હતું. આ વર્ષે પણ તેનું પુનરાવર્તન ન થાય તે માટે શહેરના કોટ વિસ્તારના કેટલાક ગણેશ આયોજકોએ આનંદ ચૌદશની સવાર થાય તે પહેલાં જ ગણેશજીની વિસર્જન યાત્રા શરૂ કરી દીધી હતી. 

સુરતમાં ગણેશ વિસર્જનનો ટ્રેન્ડ બદલાયો, ભાગળ ચાર રસ્તા પર મધ્યરાત્રીએ 3 વાગ્યે જ નિકળી વિસર્જન યાત્રા 2 - image

સુરત શહેરની મધ્યમાં આવેલા ભાગળ ચાર રસ્તા વિસ્તાર ગઈકાલે રાત્રીના 3 વાગ્યે જીવંત થઈ ગયો હતો. રાત્રીના 3 વાગ્યે જ વિશાળ સંખ્યામાં ગણેશ ભક્તો સાથે વિસર્જન યાત્રા ભાગળ વિસ્તારમાં પહોંચી હતી. આનંદ ચૌદશનો સૂર્ય ઉગે તે પહેલાં જ આ વિસર્જન યાત્રા શરૂ થઈ ગઈ હતી અને આ વિસ્તાર ગણપતિમય બની ગયો હતો. લોકોએ ભારે ઉત્સાહ અને ઉલ્લાસ સાથે બાપ્પાને વિદાય આપી હતી. ત્યારબાદ સવાર થાય તે પહેલા અન્ય ગણેશ મંડળના સભ્યોએ પણ યાત્રા કાઢી હતી જેના કારણે  મળસ્કે ભર દિવસ જેવો માહોલ ભાગળ પર થયો ઢોલ-નગારાનો નાદથી ગુંજી ઉઠ્યો હતો.



Google NewsGoogle News