વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂા. 1 લાખ પડાવ્યા, મહિલા સહિત 3 સામે ગુનો
ગઠીયાઓએ આ વખતે ડ્રગ્સની નવી થિયરી અપનાવી કામ પાર પાડયું : પડધરી પોલીસે મોબાઈલ નંબરના આધારે પોલીસ તરીકેની ઓળખ આપનાર બે શખ્સો સહિતની ટોળકીની શોધ શરૂ કરી
રાજકોટ, : ગોંડલના ડૈયા ગામે રહેતા અને બિલ્ડિંગ મટીરીયલ્સનો વેપાર કરતાં નિતેશભાઈ ખીમજીભાઈ રાઠોડ (ઉ.વ. 40)ને એક મહિલાએ હનીટ્રેપમાં ફસાવ્યા બાદ તેના બે સાગરિતોએ પોલીસ તરીકેની ઓળખ આપી, છરી બતાવી, ધાકધમકી આપી રૂા. 1.08 લાખની મત્તા પડાવી લીધી હતી. પડધરી પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ઓળખ મેળવી ઝડપી લેવા તપાસ જારી રાખી છે.
ફરિયાદમાં નિતેશભાઈએ જણાવ્યું છે કે અગિયારેક દિવસ પહેલા તેને એક મહિલાએ વોટ્સએપ કોલ કરી પોતાની ઓળખ સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિ તરીકે આપી હતી. એટલું જ નહીં પોતે મોરબીથી વાત કરતી હોવાનું જણાવી પરિચય કેળવ્યો હતો. ગઇ તા. ૫ના રોજ તે અલ્ટો કાર લઇ લોનના કામ સબબ રાજકોટ આવ્યા હતા. ત્યારે ફરીથી તે મહિલાએ વોટ્સએપ કોલ કરી વાતચીત કરી હતી.
સાથોસાથ જામનગર રોડ પરના ટોલનાકે મળવા બોલાવ્યા હતા. લોનનું કામ પૂરૂ થઇ ગયા બાદ તે મળવા રવાના થયા હતા. જામનગર રોડ પર પહોંચતાં નક્કી કરેલા સ્થળે તે મહિલા મળી હતી. જે તેની કારમાં બેસી ગઇ હતી અને કહ્યું કે આગળ મારો આશ્રમ છે ત્યાં ચાલો.
પરિણામે તેણે ચારેક કિલોમીટર સુધી કાર ચલાવી ખજુરડી ગામ તરફ પહોંચ્યા હતાં. જ્યાં એક મૅંદિર આવતાં મહિલાએ કાર ઉભી રખાવી હતી. ત્યારબાદ તે મહિલા સાથે મંદિરની અંદર જઇ તેણે કહ્યું કે આ તો માત્ર મંદિર છે, આશ્રમ ક્યા છે. બરાબર તે જ વખતે ૩૨ થી ૩૫ વર્ષની વયના બે અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતાં. આવીને તેને મારકૂટ શરૂ કરી દીધી હતી. એક શખ્સ તેને સાઇડમાં લઇ ગયો હતો. જ્યારે બીજો શખ્સ મહિલાને લઇ જતો રહ્યો હતો. મહિલાને બહાર મૂકી તે શખ્સ પરત આવી ગયો હતો.
ત્યારપછી બંને શખ્સોએ તેને કહ્યું કે આ મહિલાને કેટલા દિવસથી ઓળખો છો. જેની સામે તેણે કહ્યું કે હું ક્યારેય રૂબરૂ મળ્યો નથી. પાંચેક દિવસ પહેલા તે મહિલાનો કોલ આવ્યો હતો. ત્યારથી તેને ઓળખુ છું. તે સાથે જ બંને શખ્સોએ કહ્યું કે તે છોકરી ડ્રગ્સનો ધંધો કરે છે, તેની પાસે ડ્રગ્સ છે. તે સાથે જ તેને તેની કારમાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઇ જઇ કહ્યું કે અમે બંને પોલીસમાં છીએ, દસેક દિવસથી આ મહિલાને પકડવા ફરીએ છીએ, જો તારે અત્યારે બચીને જવું હોય તો હું સાહેબને પૂછી લઉં, જો સાહેબ કહે તો તને જવા દઇશ.
આ પછી કોઇને કોલ કરી કહ્યું કે તારે જવું હોય તો રૂા. 3 લાખ આપવા પડશે. તેણે આટલી મોટી રકમ નહીં હોવાનું કહેતા બંને શખ્સોએ તેને કહ્યું કે રૂપિયા નહીં આપ તો તને પોલીસ સ્ટેશન લઇ જઇશું. તે સાથે જ તેણે સામેથી પોલીસ સ્ટેશને લઇ જવાનું કહેતા ફરીથી બંને શખ્સો તેને બીજી અવાવરૂ જગ્યાએ લઇ ગયા હતા.
જ્યાં એક શખ્સે પોતાની પાસે છરી હોવાનું કહી તને ડ્રગ્સના ગુનામાં ફીટ કરી દઇશું તેવી દમદાટી મારી હતી. સાથોસાથ જે રૂપિયા હોય તે અને ઘરેણા આપી દેવાની સૂચના આપી હતી. એટલું જ નહીં બેન્કમાંથી રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. તેણે આજીજી કરી કહ્યું કે તેને ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરતા આવડતું નથી. તે સાથ બંને શખ્સોએ જો હવે કાંઇ બોલ્યો તો જોવા જેવી થશે તેમ કહી ડરાવ્યા બાદ તેના ફોનમાંથી તેના સાળા પંકજ દેવશીભાઈ મકવાણા (રહે. સડક પીપળીયા)ને કોલ કરાવી ઓનલાઇન રૂા. 20,000 મંગાવ્યા હતા. આ ઉપરાંત તેના મિત્ર દિપક (રહે. મેંગણી)ને કોલ કરાવી રૂા. 15.000 ઓનલાઇન મંગાવ્યા હતા.
આ રીતે કુલ રૂા. 35,000 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. જ્યારે તેની પાસેથી રોકડા રૂા. 42,000, ગળામાં પહેરેલ સોનાનો ચેન અને મોબાઈલ ફોન પડાવી લીધો હતો. સાથોસાથ કહ્યું કે આ વાત કોઇને કરીશ તો તને મારશું. બાદમાં તેની કારમાંથી બંને શખ્સો ઉતરી જતા રહ્યા હતા.
થોડીવાર તે કાર લઇ જામનગર હાઇવે પર આવ્યો હતો અને સાળાને કોલ કરી સઘળી હકીકતો જણાવી હતી. આખરે ફરિયાદ કરવાનું નક્કી થતાં ગઇકાલે પડધરી પોલીસ મથકમાં જઇ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે મહિલા સહિતની ટોળકીની શોધખોળ શરૂ કરી છે.