કાલાવડના હરીપર મેવાસા ગામમાં ફાયરિંગ પ્રકરણના પોલીસબેડામાં ઘેરા પ્રત્યાઘાત, PI અને PSI ની તાત્કાલિક બદલી
Jamnagar Kalavad Firing Case : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં બે દિવસ પહેલાં ફાયરિંગની ઘટના બની હતી. ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જોકે બંને વચ્ચે જૂનું મનદુઃખ ચાલતું હતું, અને તેમાં ફટાકડા ફોડાતાં ફરી વિખવાદ થયો હતો, અને એક જૂથ દ્વારા ફાયરિંગ કરાયું હતું, જેમાં પાડોશી પરિવારના પાંચથી છ સભ્યો ઈજાગ્રસ્ત બન્યા હતા, અને સારવાર મેળવી રહ્યા છે.
જે સમગ્ર પ્રકરણના પોલીસ બેડામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ઉપરોક્ત બનાવને સંદર્ભમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના ભાગરૂપે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા કાલાવડ ગ્રામ્યના પીઆઇ એન.બી.ડાભી તેમજ પી.એસ.આઇ. વી.એ.પરમારની તાત્કાલિક અસરથી બદલી કરીને બંનેને લીવ રિઝર્વમાં મૂકી દીધા છે. એસ.પી.ની આ કાર્યવાહીને લઈને જિલ્લાના પોલીસ તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે.