પોતાનું અને પરિવારજનોનું PMJAY કાર્ડ કઢાવનાર નર્સિંગ સુપ્રિ.ની બદલી
તગડો પગાર છતાં રાજકોટ સિવિલના વર્ગ-2 અધિકારી લાલચ રોકી ન શક્યા પોરબંદર સિવિલમાં વહીવટી અધિકારી તરીકે મૂકાયા, તપાસ સમિતિએ પ્રાથમિક અહેવાલ સોંપ્યો, પગલાં અંગેનો નિર્ણય ગાંધીનગર પર નિર્ભર
રાજકોટ, : મહેકમની દ્રષ્ટિએ રાજકોટ મેડિકલ કોલેજના ડીનની હેઠળ આવતા સિવિલના નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ હીતેન્દ્ર જાખરિયાએ પોતાના પરિવારજનોનાં તેમજ પોતાનાં નામનું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું (પીએમજય) કાર્ડ કઢાવ્યાના વિવાદમાં તપાસ સમિતિએ આખરી અહેવાલ આપવો બાકી છે ત્યાં જ આજે સિંગલ ઓર્ડરથી તેમની બદલી પોરબંદર ખાતે કરી દેવામાં આવી છે.
નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ હીતેન્દ્ર ઝાખરિયાએ થોડા સમય પહેલાં તેમના એક આપ્તજનનો એમઆરઆઈ રિપોર્ટ એ કાર્ડ હેઠળ કરાવ્યો એ પછી તેમના વિરૂધ્ધ ઊચ્ચ સ્તરે ફરિયાદ કરીને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે તગડો પગાર મેળવતા ક્લાસ- ટુ સરકારી ઓફિસર નિમ્ન- મધ્યમ વર્ગ માટેની કલ્યાણકારી આરોગ્યલક્ષી યોજનાનો લાભ લેવા માટેનું કાર્ડ કઈ રીતે મેળવી શકે? આ ફરિયાદ અન્વયે તબીબી અધિક્ષક તથા રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ હેલ્થ સહિતના સભ્યોવાળી બે કમિટી બનાવીને તપાસ સોંપવામાં આવી હતી, જેમાંની એક સમિતિએ પ્રાથમિક અહેવાલ મોકલી દીધો છે, ફાયનલ રિપોર્ટ હજુ ગાંધીનગરને સોંપવો બાકી છે. હવે આ અધિકારી વિરૂધ્ધ કોઈ પગલાં લેવા કે કેમ, તે ગાંધીનગરથી નક્કી થશે.
આ દરમિયાન આરોગ્ય વિભાગના સચિવ કક્ષાના અધિકારીએ જાખરિયાને પોરબંદર સિવિલના વહીવટી અધિકારી તરીકે નિયુક્તિ સાથેનો બદલીનો હુકમ કરતાં આજે રાજકોટથી તેમને છુટ્ટા કરી દેવાયા છે. બીજી તરફ, કોરોનાકાળમાં સરકારે કોરોના વોરિયર્સને આવકના કોઈ દાખલા વિના જ આવું કાર્ડ કાઢી આપવા જોગવાઈ કરીને તે માટેનું ખાસ આઈડી પણ બનાવડાવતાં અનેકે કાર્ડ કઢાવ્યાની દલીલ તેમજ એ અધિકારીએ પોતાની આવકનો કોઈ ખોટો દાખલો રજૂ નથી કર્યો એવા બચાવ સાથે તેમની નિકટના સૂત્રો એવા પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો કાર્ડ કાઢી આપવાપાત્ર નહોતું તો પછી કેમ કાઢી અપાયું? એ માટે જવાબદારો સામે કોઈ પગલાં કેમ નહીં?