Get The App

મહાપાલિકામાં એક જ જગ્યાએ ત્રણ વર્ષથી ફરજ બજાવતા કર્મીઓની બદલીમાં વિલંબ

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
મહાપાલિકામાં એક જ જગ્યાએ ત્રણ વર્ષથી ફરજ બજાવતા કર્મીઓની બદલીમાં વિલંબ 1 - image


- મહાપાલિકાના 60 જેટલા કર્મીની બદલીની ફાઈલ લાંબા સમયથી ધૂળ ખાતી હોવાથી ચર્ચા 

- સરકારમાં 3 કે 5 વર્ષે અધિકારી-કર્મચારીની બદલી થતી હોય છે પરંતુ મહાપાલિકામાં નિયમનુ પાલન થતુ નથી 

ભાવનગર : ભાવનગર મહાપાલિકામાં એક જગ્યાએ લાંબા સમયથી ફરજ બજાવતા કર્મચારીઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવેલ છે અને આ કર્મચારીઓની બદલી કરવા માટેની હિલચાલ લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ કોઈ કારણસર બદલી કરવામાં વિલંબ થઈ રહ્યો હોવાનુ કર્મચારીઓમાં ચર્ચાય રહ્યુ છે. સરકારમાં બદલીના નિયમનુ પાલન થાય છે પરંતુ ભાવનગર મહાપાલિકામાં બદલીના નિયમનુ પાલન થતુ નથી. સરકારી અધિકારી-કર્મચારીની ૩ થી ૫ વર્ષે બદલી કરવામાં આવતી હોય છે ત્યારે મહાપાલિકામાં બદલી કરવામાં ઠાગાઠૈયા ચાલી રહી હોવાનુ જણાય રહ્યુ છે. 

ભાવનગર મહાપાલિકામાં બદલીના નિયમનુ પાલન થતુ નથી તેથી કેટલાક કર્મચારીઓ લાંબા સમયથી એક જ વિભાગમાં ફરજ બજાવે છે, જેના પગલે ભાવનગર મહાપાલિકાના કમિશનરે ૩ વર્ષ કે પ વર્ષ એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓની યાદી તૈયાર કરવા સૂચના આપી હતી અને મહેકમ વિભાગે છેલ્લા બે માસ કરતા વધુ સમયથી યાદી તૈયાર કરી ડેપ્યુટી કમિશનરને આપી દીધી છે છતાં હજુ સુધી બદલી અંગે કોઈ નિર્ણય કરવામાં આવેલ નથી. બદલીની ફાઈલ લાંબા સમયથી ધૂળ ખાઈ રહી છે પરંતુ કોઈ કારણસર બદલીના નિર્ણય મામલે વિલંબ થઈ રહ્યો હોવાનુ મનપાની કચેરીમાં ચર્ચાય રહ્યુ છે. ૩ વર્ષ એક જ જગ્યાએ ફરજ બજાવતા આશરે ૬૦ કર્મચારી છે અને આ કર્મચારીઓની બદલી કરવાની હતી પરંતુ કોઈ કારણસર ફાઈલ હાલ સાઈડમાં મુકી દેવામાં આવી હોવાનુ કહેવાય છે. મહાપાલિકાના મહેકમ સહિતના વિભાગમાં કર્મચારીઓ ઘણા વર્ષથી એક જગ્યાએ ફરજ બજાવે છે અને તેઓની બદલી પણ કરવામાં આવતી નથી. મહેકમ વિભાગમાં જ બદલીના નિયમનું પાલન થતુ નથી, જે ગંભીર બાબત છે. 

ઉલ્લેખનીય છે કે, મહાપાલિકામાં અગાઉ કેટલાક કર્મચારીઓ તો ૮-૧૦ વર્ષ કરતા વધુ સમયથી એક જ વિભાગમાં અને એક જ જગ્યાએ ફરજ બજાવતા હતા પરંતુ ત્યારબાદ પૂર્વ કમિશનર ઉપાધ્યાયએ કેટલાક કર્મચારીઓની સામુહિક બદલી કરી હતી, જો કે ત્યારબાદ કેટલાક કર્મચારીઓ ભલામણ કરી ફરી મુળ જગ્યાએ ગોઠવાય ગયા હોવાનુ ચર્ચાય રહ્યુ છે. સરકારમાં ૩ થી ૫ વર્ષે કર્મચારી- અધિકારીની બદલી થતી હોય છે પરંતુ મહાપાલિકામાં સરકારના બદલીના નિયમનુ પાલન થતુ નથી. કેટલાક કર્મચારીઓ એક જગ્યા નોકરી કરીને કંટાળ્યા હોવાથી અન્ય વિભાગમાં જવાનુ ઈચ્છી રહ્યા છે, જયારે કેટલાક કર્મચારીઓ કોઈ કારણસર બદલી ના થાય તો સારૂ તેવુ ઈચ્છી રહ્યા હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. વહીવટી સરળતા માટે અને કામગીરી ઝડપી થાય તે માટે મહાપાલિકાના કમિશનરે સામુહિક બદલી કરવી જરૂરી છે પરંતુ મહાપાલિકાના કમિશનર બદલી કરવામાં ઢીલીનીતિ રાખી રહ્યા હોવાનુ ચર્ચાય રહ્યુ છે ત્યારે બદલીના ઓર્ડર કયારે થશે ? તે જોવુ જ રહ્યું.  


Google NewsGoogle News